- પારેવડી ચોક પાસે રાત્રે ૩ વાગ્યે ધસી આવી `હું મોહિત ડોન’ કહી પગે પડાવી લૂંટ ચલાવનારની ખો ભૂલાવતી ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવી રીતે લુખ્ખાઓ એક બાદ એક હુમલા કરી રહ્યા છે. પ્ર.નગર પોલીસ ઉપર એક નહીં બલ્કે બે વખત હુમલો કરનાર બે ટકાનો લુખ્ખો માજીદ ભાણુ હજુ પકડાયો નથી ત્યાં બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગણેશનગરના લુખ્ખાએ હોમગાર્ડ જવાનના ગળા પર છરી મુકી તેને ભાઈસા’બ બાપા કરાવી દીધા હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની આબરૂ ઉપર સવાલો ઉભા થવા લાગ્યા હતા. રહીસહી આબરૂને વધુ ધક્કો ન લાગે તે માટે ક્રાઈમ બ્રાન્ચે લુખ્ખાગીરી આચરનાર ગણેશનગરના લુખ્ખા સહિત બે લોકોને દબોચી લઈ તેની ખો ભૂલાવી દીધી હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે સોમવારે મધરાત્રે ત્રણ વાગ્યે વિપુલ ગીરધરભાઈ સોલંકી પારેવડી ચોક પાસે રામાપીરના મંદિર નજીક પોતાને સોંપાયેલા પોઈન્ટ પર ફરજ પર તૈનાત હતો ત્યારે મોહિત ચમન ગોહેલ નામનો એક શખ્સ ધસી આવ્યો હતો અને `હું મોહિત ગોહેલ, ગણેશનગરનો ડોન છું, અહીં પોલીસે બેસવાનું નહીં’ તેમ કહી વિપુલ સાથે મગજમારી કરવા લાગ્યો હતો. બન્ને વચ્ચે ઝપાઝપી થતાં મોહિતે છરી કાઢી હતી અને તેનો સાથ આપવા માટે અમિત નામનો શખ્સ પણ ધસી આવ્યો હતો. મોહિતે વિપુલના ગળા ઉપર છરી મુકી `બોલ હું કોણ’ તેવા શબ્દો કહી તેને ભાઈસા’બ બાપા કરાવી દીધા હતા જ્યારે અમિતે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલું ઓછું હોય તેમ બન્ને વિપુલ પાસે રહેલી ૪૦૦ રૂપિયાની રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ બન્ને મોરબી રોડ ઉપર હોવાની બાતમી મળતાં જ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ગરચર સહિતની ટીમે તેમને દબોચી લઈ કચેરીએ લાવી ભાંભરડા નખાવી દીધા હતા.