- કુરિયરમાં મંગાવેલો ૧૪૦ કિલો ગાંજો પકડાયો
- શંકાસ્પદ લાગતાં બ્લુ ડાર્ટ કુરિયરે જ પોલીસને જાણ કરી
- બિહારનો શખ્સ પાર્સલ લેવા આવ્યો પણ જીએસટી નંબર મંગાતાં પરત ચાલ્યો ગયો’તો
ગુજરાતમાં ચરસ-ગાંજો-ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે પોલીસને પૂરી તાકાત કામે લગાડી દેવા આદેશ છૂટ્યો હોય આ બદીને નેસ્તોનાબૂદ કરવા માટે તમામ એજન્સીઓ કાર્યરત છે. દરમિયાન ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર મારફતે મંગાવેલા ૧૪૦ કિલો ગાંજા સાથે બિહારના એક શખ્સને પકડી પાડી નશાના સામાનની સપ્લાયની ચેઈનને તોડી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે.
ગાંધીધામ બી-ડિવિઝન પીઆઈ એસ.વી.ગોજીયા સહિતની ટીમે ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તલાશી લેતાં ત્યાં સાત શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા જેની તલાશી લેતાં તેમાંથી ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ કે જેની બજાર કિંમત ૧૪.૦૬ લાખ રૂપિયા થાય છે તે મળી આવતાં આ ગાંજો મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોતાને ત્યાં સાત જેટલા શંકાસ્પદ પાર્સલ આવ્યાની જાણ બ્લુ ડાર્ટ કુરિયર કંપની દ્વારા જ પોલીસને કરવામાં આવી હતી ત્યારે રિસિવર તરીકે બિહારના ધનચંદકુમાર લખનલાલ પંડિત (ઉ.વ.૨૮)નું નામ ખુલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે ધનચંદકુમાર કુરિયર કંપનીની ઓફિસ પર ગાંજાના પાર્સલ લેવા માટે ગયો પણ હતો પરંતુ ત્યાંથી જીએસટી નંબર માંગવામાં આવતાં તે ગભરાયો હતો ને મોબાઈલ પર વાત કરવાનો ડોળ કરી રવાના થઈ ગયો હતો. એકંદરે તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બાતમીના આધારે પોલીસે દોડી જઈ ૧૪૦ કિલો ગાંજો કબજે કર્યો હતો અને બસમાં બેસી ફરાર થઈ ગયેલા ધનચંદકુમારને અધવચ્ચેથી પકડી લેવામાં આવ્યો હતો. ધનચંદની પૂછપરછમાં ખુલ્યું હતું કે આ ગાંજો ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામે મંગાવ્યો હતો જેના આધારે પોલીસે તેનું નામ ખોલી કરણની પણ શોધખોળ શરૂ કરી હતી.