વડાપ્રધાન રવિ-સોમ સૌરાષ્ટ્રની મુલાકાતે : સોમનાથ મહાદેવના દર્શન બાદ સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિ અને સોમ એમ બે દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બીજી માર્ચે સોમનાથ જશે અને ત્યાંથી સાસણ ગીર પહોંચી રાત્રી રોકાણ કરશે. 3 માર્ચે વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ છે અને તે દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
આ સુત્રોએ એવું પણ કહ્યું હતું કે, સાસણથી તેઓ જામનગર જશે અને ત્યાં રિલાયન્સ દ્વારા નિર્મિત બાયોગેસ પ્લાન્ટને ખુલ્લો મુકશે…નરેન્દ્ર મોદી અનંત અંબાણીનાં ડ્રીમ પ્રોજેક્ટ એવા વનતારાની પણ મુલાકાત લેશે અને ત્યાં પ્રાણીઓની સારવાર માટે બનાવવામાં આવેલી હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે. જો કે, આ કાર્યક્રમ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી આમ છતાં તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
આ પછી તા. 7 અને 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાત પણ લેશે. તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.