એલોન મસ્કની સૂચનાનું પાલન ન કરવા કર્મચારીઓને સૂચના : અઠવાડિક રિપોર્ટ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રમાં તડાં
ટ્રમ્પના જમણા હાથ સમા બની ગયેલા એલોન મસ્કે DOGE ના વડાની હેસિયતથી લાખો કર્મચારીઓને તેમની કામગીરી અંગે અઠવાડીક રિપોર્ટ આપવાના કરેલા આદેશને પગલે ભારે ઊહાપોહ થયો છે. એફબીઆઇના કર્મચારીઓને એ આદેશનું પાલન ન કરવાની એ વિભાગના વડા કાશ પટેલે સૂચના આપ્યા બાદ હવે ટ્રમ્પ વહીવટી તંત્રના એચ આર ડીપાર્ટમેન્ટ તરીકે કામ કરતી ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ દ્વારા પણ એ હેતુના જ નિર્દેશ આપવામાં આવતાં મસ્ક અને ટ્રમ્પનું વહીવટી તંત્ર સામસામે આવી ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
એલોન મસ્કે ફેડરલ જજ સહિત તમામ સરકારી કર્મચારીઓને અઠવાડિયા દરમિયાન તેમણે કયા પાંચ મહત્વના કામ કર્યા તેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. સોમવાર સુધીમાં એવો રિપોર્ટના આપનાર કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે તેમ માની લેવામાં આવશે તેવું મસ્કે જણાવ્યું હતું.
એ સંદર્ભે ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓને ઈમેલ મોકલવામાં આવ્યા હતા. જેમાં મસ્કની સૂચના મુજબ રિપોર્ટ ન આપનાર કર્મચારીઓને પણ કાઢી મૂકવામાં નહીં આવે તેવો ખુલાસો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ મસ્કે કરેલા આદેશને માન આપી અને અઠવાડિક રિપોર્ટ આપનાર કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તે અંગે જબરી માથાકૂટ સર્જાઈ છે. કામગીરી અંગેના માપદંડો અંગે કોઈ માર્ગદર્શિકા ન હોવાથી જે તે વિભાગોના વડાઓ મૂંઝવણમાં મુકાયા છે.એકંદરે મસ્ક અને ટીમ ટ્રમ્પ વચ્ચે આ મુદે સ્ફોટક મતભેદો ઉભરી આવ્યા છે.