ટ્રમ્પનો હાથ પકડી તેમના દાવાનેમેક્રોએ જાહેરમાં જુઠો ગણાવ્યો !! પત્રકાર પરિષદમાં નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા
યુકેન યુદ્ધ અંગે અમેરિકા અને યુરોપના રાષ્ટ્ર વચ્ચેના મતભેદો હવે જાહેરમાં સપાટી ઉપર આવી ગયા છે. અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયેલા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને ટ્રમ્પ વચ્ચે સોમવારે પત્રકાર પરિષદમાં જ જામી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રમ્પ અને મેક્રો વચ્ચેની મુલાકાત બાદ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારોએ યુક્રેનને આપવામાં આવતા આર્થિક ભંડોળ અંગે કરેલા સવાલના જવાબમાં ટ્રમ્પે,યુરોપે આપેલૂ આર્થિક ભંડોળ લોન રૂપે અપાયું હોવાનો અને યુરોપના દેશો બાદમાં એ રકમ યુક્રેન પાસેથી પરત મેળવશે એવી દાવો કર્યો હતો.
જો કે તેમના એ ઉચ્ચારણો સાથે જ મેક્રોએ ટ્રમ્પ ને બોલતા અટકાવ્યા હતા અને તેમનો હાથ પકડી અને એ દાવો સદંતર ખોટો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેન ને આપેલું આર્થિક ભંડોળ પરત મેળવવાની કોઈ અપેક્ષા નથી. તેમણે એવો દાવો કર્યો કે હકીકતમાં તો યુક્રેનને અપાયેલા ભંડોળમાં 60% હિસ્સો યુરોપનો છે. તેમણે વધુમાં કહ્યું કે એ અમેરિકા છે જે લોન,ગેરંટી અને અનુદાન ની વાતો કરે છે. દેખીતી રીતે જ તેઓ
સુરક્ષાના બદલામાં યુક્રેનના દુર્લભ ખનીજ હસ્તગત કરવાની ટ્રમ્પના ઈરાદા તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે યુરોપના રાષ્ટ્રો રશિયાની સંગીત કરેલી સંપત્તિમાંથી વળતર મેળવી શકે છે.
તેમની આ ચેષ્ટાને કારણે પત્રકાર પરિષદમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જો કે મેક્રોના નિવેદનની ટ્રમ્પ ઉપર કોઈ અસર પડી નહોતી. મેક્રો બોલતા હતા ત્યારે તેઓ હસતા હતા અને સાથે જ તેમના નિવેદન સાથે સહમત ન હોય તે રીતે નકારાત્મક રીતે હાથ હલાવતા નજરે પડ્યા હતા.