રાજકોટનો CCTV કાંડ વિધાનસભામાં ગુંજ્યો : કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ગૃહમંત્રીની જાહેરાત
રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી હેક કરીને તેને ટેલિગ્રામ ઉપર વેચવાના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં હેકર્સ તેમજ વીડિયો વેચનારા છ શખ્સોને દબોચી લીધા હતા. આ મુદ્દો ગુજરાતમાં અત્યંત ચર્ચાસ્પદ બની ગયો હોય આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે પોલીસે ધાર્યું હોત તો હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કર્યા બાદ ફાઈલ બંધ કરી દીધી હોત પરંતુ આવું કરવાને બદલે આ કાંડના મુળ સુધી પહોંચી પર્દાફાશ કર્યો છે. આ કાંડને અંજામ આપનારો એક પણ આરોપી છટકી ન શકે અને તેમને ઝડપથી સજા થાય તે માટે આ કેસને ફાસ્ટ ટે્રક કોર્ટમાં ચલાવવામાં આવશે.
ગૃહમંત્રીએ કહ્યું કે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો કે આ નેટવર્ક તો ખૂબ જ મોટું છે. ૧૭ ફેબ્રુઆરીએ હોસ્પિટલના લેબર રૂમનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે સામેથી ફરિયાદી બની ફરિયાદ દાખલ કરીને તપાસ કરતાં આ વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ મુદ્દે પોલીસ સૌથી પહેલાં ગ્રાહક બનીને ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થઈ હતી. આ ગ્રુપમાં જોડાઈને માહિતી એકઠી કરવામાં આવી અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી હતી. સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર, સુરત, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાંથી છ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ તમામ ઉપર સાયબર ટેરેરીઝમની કલમ ઉમેરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
હવે સરકાર દ્વારા આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુરિટરની નિમણૂક કરી દરરોજ કેસ ચાલે તે માટે ફાસ્ટ ટે્રક કોર્ટમાં કેસ ચલાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ ગેંગે યુરોપીયન દેશો એટલાન્ટા, રોમાનિયા, જાપાન સહિતના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન)નો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી હતી. સરકાર દ્વારા ટેલિગ્રામ ચેનલ કે જેમાં તમામ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે તેને પણ નોટિસ અપાઈ છે સાથે સાથે સોશ્યલ મીડિયા ચેનલને આવા વીડિયો ન મુકવા અને મુક્યા હોય તો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.