રાજકોટ : સાંથણીની જમીનના શરતભંગ કેસમાં અપીલ ના મંજૂર કરતા કલેકટર
સાંથણીની જમીનના શરતભંગ કેસમાં અપીલ ના મંજૂર કરતા કલેકટર
લોધિકાના દેવળા ગામની જમીન 31 વર્ષ પૂર્વે ખાલસા થવાના કિસ્સામાં વિલંબ માફી અને રીવીઝન અરજી નામંજૂર
રાજકોટ : રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના દેવળા ગામે વર્ષ 1967માં સાંથણીમાં ફાળવવામાં આવેલ નવી શરતની જમીન વેચાણ અને બિનખેતી માટે સાંથણીદારે રાજકોટના જમીન ધંધાર્થી પિતાપુત્રને પાવર ઓફ એટર્ની એટલે કે કુલમુખ્યત્યારનામું કરી આપી શરતભંગ કરવાના કિસ્સામાં આસિસ્ટન્ટ કલેકટર દ્વારા જમીન ખાલસા કરવા હુકમ કર્યા બાદ કલેકટરે પણ આસિસ્ટન્ટ કલેકટરનો હુકમ યોગ્ય ઠેરવ્યો હોવા છતાં આ કેસમાં 31 વર્ષ બાદ સાંથણીદારના વારસદારોએ વિલંબ માફ કરવાની સાથે રીવીઝન અપીલ કરતા જિલ્લા કલેકટરે અપીલ ના મંજુર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો વર્ષ 1967માં લોધીકા તાલુકાના દેવળા ગામે નાજાભાઇ હરજીભાઇ નામના આસામીને રાજકોટ ડેપ્યુટી કલેકટરે દેવળા ગામના સર્વે નંબર 163ની 4 એકર જમીન સાંથણીમા ફાળવવા હુકમ કર્યો હતો, જે બાદમાં સાંથણીદાર નાજાભાઇ હરજીભાઇએ વર્ષ 1990માં રાજકોટના જમીન મકાનના ધંધાર્થી ડાયાભાઇ કેશવજીભાઇ કોટેચા અને તેમના પુત્ર કિશોર ડાયાભાઇ કોટેચાને રદ્દ ન થઇ શકે તેવું કુલ મુખત્યારનામું આપી જમીન વેચાણ અને બિનખેતી કરાવવા માટે આપતા આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ સાંથણી શરતભંગ સાબિત માની જમીન સરકાર હસ્તક લેવા વર્ષ 1993માં હુકમ કર્યો હતો.જેની સામે કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતા વર્ષ 1994માં આસિસ્ટન્ટ કલેકટરનો હુકમ કાયમ રાખવા આદેશ કર્યો હતો.
બાદમાં આ કેસમાં સાંથણીદાર નાજાભાઇ હરજીભાઇના વારસદારોએ આસિસ્ટન્ટ કલેકટરનો હુકમ એકતરફી અને અન્યાયી હોવાનું ગણાવી વર્ષ 2023માં આ કેસમાં જિલ્લા કલેકટર સમક્ષ વિલંબ માફી અને અપીલ અરજી કરતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અરજદારોને સાંભળી અગાઉ આ કેસમાં નિર્ણય થઈ ગયેલ હોય અપીલ અરજી ના મંજુર કરતો હુકમ કર્યો હતો.