ડો. વલ્લભભાઇ કથીરિયાને ગાય માતા ફળ્યા : બન્યા એઈમ્સ- રાજકોટનાં અધ્યક્ષ
-કેન્દ્ર સરકારે આપી મહત્વની જવાબદારી, ટૂંક સમયમાં સંભાળશે ચાર્જ
-એઇમ્સને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ કરવાની ખાતરી
કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ડૉ. વલ્લભ કથીરિયાને રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલના અધ્યક્ષ બનાવાયા છે. તેઓને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. ડૉ વલ્લભભાઈ કથીરિયા ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે.
ડો. વલ્લભભાઈ કથીરિયાને એઈમ્સના અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી હોવાના સમાચારો મળતા જ તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આજે સવારે જ તેમના નિવાસસ્થાને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં ડો. કથીરિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના પ્રમુખ જે.પી.નડા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો હું આભારી છું કે મને આ જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં એઈમ્સમાં ઓ.પી.ડી. ચાલુ છે અને મેડીકલ કોલેજ પણ ચાલી રહી છે. અન્ય આનુસંગિક સુવિધાઓ ઝડપભેર મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે. રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર અહી પ્રાપ્ત થાય તેવી સુવિધા ઉભી થઇ રહી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટની એઇમ્સ ગુજરાત માટે ગૌરવની બાબત છે. હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં ૪ એઇમ્સ હતી. અત્યારે વધીને ૧૮ થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડીકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે. હું બે-ચાર દિવસમાં જ વિધિવત કાર્યભાર સંભાળીશ.
કોણ છે ડૉ વલ્લભભાઈ કથીરિયા?
ડૉ.વલ્લભભાઈ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભભાઈ કથીરિયાને ગુજરાતના ‘ગૌ સેવા આયોગ’ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભભાઈ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમની કામગીરીની પ્રશંસા પણ થઇ હતી.