હરિયાણાથી ચોખા-બટેટાની ગુણી નીચે છુપાવી દારૂ ભરેલા બન્ને ટ્રકને કારનું હતું પાયલોટિંગ: ટ્રક-કારના ચાલક પકડાયા: ૩૫.૪૨ લાખનો દારૂ કબજે
હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવતાં જ બૂટલેગરોએ સક્રિય થઈને દારૂનો મોટો જથ્થો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આવો જ દારૂનો એક જથ્થો હરિયાણાથી બે ટ્રકમાં ભરાઈને રાજકોટ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતાં જ ઝોન-૧ એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર બામણબોર પોલીસ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. જો કે અગાઉથી અહીં ટીમ ઉભી હોવાની જાણ ટ્રકચાલકો કે તેને પાયલોટિંગ કરી રહેલી બે કારના ચાલકોને ન થઈ જાય તે માટે જેવી કાર અને ટ્રક નજીક આવ્યા કે પોલીસે રસ્તા પર ટ્રાફિકજામ કરાવી દેતાં કોઈને ભાગવાની તક મળી ન્હોતી અને દારૂ ભરેલા બે ટ્રક તેમજ પાયલોટિંગ કરી રહેલી કારના ચાલક મળી ચાર લોકો પકડાઈ ગયા હતા.
ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા સહિતની ટીમે ઉપરોક્ત સ્થળેથી ટ્રક નં.જીજે૧૦ઝેડ-૯૮૨૧ને અટકાવીને તલાશી લેતામાં તેમાં બટેટાની ગુણીઓ ભરેલી જોવા મળી હતી. ગુણીઓ હટાવતાં જ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બીજો ટ્રક નં.જીજે૧૦-બીવી-૫૭૯૨ની તલાશી લેતામાં તેમાં ચોખાની ગુણીઓ નીચે દારૂનો જથ્થો મળ્યો હતો. બન્ને ટ્રકના ચાલક દાસા સુકાભાઈ કોડિયાદર (ઉ.વ.૩૫) અને ભીખુ રૂપસંગભાઈ સોલંકી (ઉ.વ.૩૮)ને પકડી લેવાયા હતા.
આ ટ્રકને પાયલોટિંગ કરી રહેલી કાર નં.જીજે૨૫-બીએ-૦૦૧૦ સાથે ઘેલુ જગાભાઈ કોડિયાદર અને સુરા ભાયાભાઈ મોરીને દબોચી લેવાયા હતા. પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે આ ટ્રક હરિયાણાથી રવાના થયા બાદ રાજકોટ પહોંચ્યા બાદ બૂટલેગરને ફોન કરવાનો હતો. આ જથ્થો રાજકોટ નહીં બલ્કે અન્ય જિલ્લામાં જઈ રહ્યાનું ખુલ્યું હતું. પોલીસે ૩૫.૪૨ લાખની કિંમતનો દારૂ ઉપરાંત વાહન સહિત મળી કુલ ૬૫.૬૭ લાખના મુદ્દામાલ સાથે ચાર લોકોને પકડ્યા હતા.