પનીરના પત્રની ‘ભુરજી’ કરી નાખતી મહાપાલિકા !
લોકો ખંખેરાય' નહીં, સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તેમાં કોઈને રસ જ નથી !
રાજકોટની દરેક હોટેલ પર એનાલોગ પનીર' અને
મિલ્ક પનીર’ એમ અલગ-અલગ બોર્ડ લગાવવા આરોગ્ય શાખાને પોલીસની તાકિદ છતાં કોઈ જ કાર્યવાહી નહીં
જો દરેક હોટેલ પર આ પ્રકારના બોર્ડ લાગે તો લોકો કયા પનીરથી વાનગી બની છે તેનાથી વાકેફ થાય સાથે સાથે મિલ્કના નામે એનાલોગ પનીર ધાબડી દેવાનો ગોરખધંધો પણ બંધ થઈ શકે
મહાપાલિકાએ જાણીજોઈને પત્ર ગાયબ કર્યો હશે કે ખરેખર મળ્યો જ નહીં હોય ? તપાસ જરૂરી
રાજકોટમાં ભેળસેળે માજા મુકી હોય ખરેખર કોઈ શુદ્ધ વાનગી મળતી હશે કે કેમ તે કહેવું મુશ્કેલ બની ગયું છે. મીલાવટ અટકાવવા માટે મહાપાલિકાની ફૂડ શાખા સપ્તાહમાં બે વખત ચેકિંગ પણ કરે છે પરંતુ તેનાથી કશો જ ફેર પડતો નથી કેમ કે તંત્ર પાસે કોઈ આકરી કાર્યવાહી કરવાની સત્તા જ ન હોવાથી ભેળસેળીયાઓ મન ફાવે તેમ વર્તી રહ્યા છે પરિણામે લોકોના સ્વાસ્થ્ય સાથે રીતસરના ચેડાં થઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં અત્યારે રેંકડીથી લઈ મોટી રેસ્ટોરન્ટ સુધી પનીરનો ઉપાડ' વધુ રહે છે મતલબ કે પનીરથી બનેલી વાનગી નાના બાળકથી લઈ મોટેરા સુધી તમામને પ્રિય હોય ધંધાર્થીઓ પનીરનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. જો કે હલકી કક્ષાના પનીરનો ઉપયોગ કરી લોકો પાસેથી અસલ પનીર પીરસ્યું હોય તે પ્રકારે ભાવ વસૂલતી હોટેલ-રેસ્ટોરન્ટનો તૂટો ન હોય પોલીસ દ્વારા આ દિશામાં મહાપાલિકાની ફૂડ શાખાને એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ પનીરના આ પત્રની જાણે કે
ભુરજી’ થઈ ગઈ હોય તે રીતે પત્રનો હજુ સુધી કોઈ અતોપતો જ લાગ્યો નથી !
પોલીસ દ્વારા ફૂડ શાખાને એવો પત્ર લખવામાં આવ્યો હતો કે રાજકોટની દરેક હોટેલ તેમજ રેસ્ટોરન્ટમાં મોટા અક્ષરે લોકો વાંચી શકે તે પ્રકારે પનીરને લગતું બોર્ડ લગાવવું જરૂરી બની જાય છે. જો કોઈ હોટેલ વાનગીમાં એનલોગ પનીરનો ઉપયોગ કરતી હોય તો તેણે હોટેલ પર અમે અહીં એનાલોગ પનીરનો ઉપયોગ કરીને વાનગી તૈયાર કરીએ છીએ' તેવું બોર્ડ લગાવવું જોઈએ અને જો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં દૂધથી બનેલું પનીર વપરાતું હોય તો તેણે
અમે અહીં દૂધથી બનેલા પનીરનો ઉપયોગ કરીએ છીએ’ તેવું બોર્ડ લગાવવું જોઈએ.
આમ થવાથી આખરે કયા પનીરથી વાનગી તૈયાર કરવામાં આવી છે તેનો દરેક સ્વાદરસિકને ખ્યાલ આવી શકશે સાથે સાથે દૂધથી બનેલા પનીરના નામે એનાલોગ પનીર ધાબડીને તગડી કમાણી કરી લેનારા ધંધાર્થીઓ ઉપર પણ લગામ આવી શકશે. આ સહિતની ભલામણવાળો પત્ર પોલીસ દ્વારા લખવામાં આવ્યો છતાં હજુ સુધી તંત્રની કચેરીએ તે પહોંચ્યો જ ન હોવાથી આખરે આ પત્ર ક્યાં ગયો તેવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. શું આ પત્રને ગાયબ કરી દેવામાં આવ્યો હશે કે પછી ખરેખર મળ્યો જ નહીં હોય તે તો અધિકારીઓ જ જાણતાં હોવા જોઈએ.
પંદર દિવસ પહેલાં જ પત્ર મોકલી દીધો છે: એસઓજી
આ અંગે પત્ર લખનાર એસઓજીના સૂત્રોને પૂછવામાં આવતાં એવું જાણવા મળ્યું હતું કે પંદર દિવસ પહેલાં જ આરોગ્ય શાખાને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને બા-કાયદા રજિસ્ટર એડીથી તેની રવાનગી કરવામાં આવી હતી અને તેની નોંધ પણ નિયમ પ્રમાણે કરવામાં આવી હતી.
અમને કોઈ પ્રકારનો પત્ર મળ્યો જ નથી: મહાપાલિકા
બીજી બાજુ ફૂડ શાખા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અમને એસઓજી તરફથી આ પ્રકારનો કોઈ જ પત્ર મળ્યો નથી. અધિકારીઓ દ્વારા સંબંધિત કર્મચારીઓને પણ પત્ર અંગે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેના દ્વારા પણ પત્ર નહીં મળ્યાનો જ જવાબ અપાયો હતો.
શું છે આખોયે મામલો ?
હવે આખાયે મામલા ઉપર નજર કરવામાં આવે તો ૯ જાન્યુઆરીએ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ શિતલ પાર્ક ચોક પાસે આવેલા ગુજરાત ફૂડસમાં દરોડો પાડીને ૮૦૦ કિલો જેટલું શંકાસ્પદ પનીર પકડવામાં આવ્યું હતું. આ પનીરમાં કોઈ ભેળસેળ છે કે કેમ, નિયમ પ્રમાણે આ પનીરનો ખાવા માટે ઉપયોગ કરી શકાય કે કેમ તે સહિતની ખરાઈ કરવા માટે તેનો નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. દરોડો પડ્યાના બીજા અથવા ત્રીજા દિવસે એવી વાત વહેતી થઈ હતી કે આ પનીર એનાલોગ પનીર છે જેનો ઘણી હોટેલ-રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે એસઓજી દ્વારા મહાપાલિકાને એક પત્ર લખવામાં આવે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવે કે દરેક હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલક પોતાને ત્યાં એવું બોર્ડ લગાવે કે તેમને ત્યાં વપરાતું પનીર એનાલોગ છે કે દૂધથી બનેલું…આ આદેશ મળતાં જ એસઓજી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ તે હજુ સુધી મહાપાલિકાને મળ્યો જ નથી.
…તો ફૂડ શાખાને પણ ઘણી સરળતા રહે
જો ફૂડ શાખા દ્વારા આ પ્રકારે બોર્ડ લગાવવાના નિયમનો અમલ કરાવવામાં આવે તો તેના માટે જ કાર્યવાહી સરળ બની શકે તેમ છે. જો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ પોતાને ત્યાં એવું બોર્ડ લગાવે કે તેમને ત્યાં દૂધથી બનેલું પનીર વપરાય છે અને ફૂડ શાખા જ્યારે ત્યાં ચેકિંગ કરી પનીરનો નમૂનો લ્યે અને તેમાં એનાલોગ પનીર હોવાનું સાબિત થાય તો તે હોટેલ અથવા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી પણ કરી શકાય સાથે સાથે ચેકિંગ કરવામાં પણ સરળતા રહેશે.
જો આવું બોર્ડ લગાવે તો હોટેલ-રેસ્ટોરન્ટને ખાસ્સો ફટકો પડે !
જાણકારો તો એવું પણ જણાવી રહ્યા છે કે પોલીસની ભલામણના આધારે આરોગ્ય શાખા આ પ્રકારે બોર્ડ લગાવવાનું શરૂ કરાવે તો હોટેલ અને રેસ્ટોરન્ટને ખાસ્સો ફટકો પડી શકે તેમ છે કારણ કે એનાલોગ પનીર સાંભળીને લોકો તે હોટેલ કે રેસ્ટોરન્ટમાં વાનગી આરોગવાનું જ ટાળશે. અત્યારે લગભગ દરેક લોકોને એમ જ લાગે છે તેમને જે પનીર પીરસાય છે તે દૂધથી જ બનેલું હોય છે પરંતુ દૂધથી બનેલું પનીર કેટલું મોંઘું હોય છે તેનો સૌને ખ્યાલ હોતો નથી જેનો લાભ લઈને ઘણાખરા હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો દૂધથી બનેલા પનીરના નામે એનાલોગ પનીર કે જે ઘણું સસ્તું પડે છે તે પીરસી રહ્યા છે !