મોરવાડ ગામના પાટિયા પાસે બનેલી ઘટના: પશ્ચિમ બંગાળનો પરિવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા બાદ અમદાવાદ પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
મૃતકોમાં એક મહિલા સામેલ: ભારે ટ્રાફિકજામ: મૃત્યુઆંક વધવાની શક્યતા
કચ્છના કેરા-મુન્દ્રા રોડ પર તાજેતરમાં જ બે ટે્રલર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેમાં સાત લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આવો જ વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર મોરવાડ ગામના પાટિયા પાસે મિનિ બસ અને ડમ્પર વચ્ચે થતાં પાંચ લોકોના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોય તેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ચુડા પોલીસ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે મિનિ બસમાં બેઠેલા ૧૫ જેટલા મુસાફરો જે તમામ પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોના પ્રવાસે આવ્યા હતા અને પ્રવાસ પૂર્ણ કરી પરત અમદાવાદ ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જે લોકો ઘાયલ થયા છે તેમાં રીમ્પલ રાવત (ઉ.વ.૨૮), હેમેન ચેટરજી (ઉ.વ.૬૪), સોમનાથ સાદ (ઉ.વ.૪૫) અને મુકલ્તા સોમંતા (ઉ.વ.૫)ની ઓળખ થવા પામી છે. જ્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખવિધિ મોડી સાંજ સુધી થઈ શકી ન્હોતી.
બીજી બાજુ અકસ્માતને કારણે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર મોટા પાયે ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે દોડી જઈ રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
તપાસમાં પ્રારંભીક રીતે બહાર આવ્યા પ્રમાણે મિનિ બસ રાજકોટથી અમદાવાદ માટે થઈ ત્યારે મોરવાડ ગામના પાટિયા પાસેના રસ્તા પર એક ડમ્પર ઉભેલું હતું પરંતુ તેને ઓવરટેક કરવામાં બસના ચાલકે ગફલત રાખી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસનો બૂકડો બોલી ગયો હતો અને હાઈ-વે ઉપર ઘાયલ-મૃતકનો ઢગલો થઈ ગયો હતો.