37.5 ડીગ્રી, રાજકોટમાં ફેબ્રુઆરીમાં રેકોર્ડબ્રેક ગરમી
સુરતમાં મહતમ તાપમાનનો પારો 37 ડીગ્રી, અમદાવાદમા પારો 35 ડીગ્રી
હજુ ઉનાળાનો પ્રારંભ નથી થયો ત્યાં જ રાજકોટમાં ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું તાપમાન નોંધાઇ રહ્યું છે. ગઈકાલે રાજકોટમાં 36.5 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 37.5 ડીગ્રી પહોંચી જતા ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાને રેકોર્ડ સર્જ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડીગ્રી વધવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે રાજકોટ, સુરત, અમદાવાદ, ડીસા, ભુજ અને વડોદરા સહિતના શહેરમાં મહત્તમ તાપમાનનો પારો હદ વટાવી રહ્યો છે. રવિવારે 37.5 ડીગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. સુરતમાં 37 ડીગ્રી, ભુજમાં 36.1, ડીસામાં 35.7, વડોદરામાં 35.2, અમદાવાદમા 35, પોરબંદરમાં 34.5, ગાંધીનગર અને નલિયામાં 34.2, કંડલામા 34.1 અને ભાવનગરમાં 34 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.