રાજકોટની ઇન્સ્ટાગ્રામ-ક્વીન ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત : ” પપ્પા , હું ઉપર જાઉં છું ” કહીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગળાફાંસો ખાતાં પહેલાં સ્ટેટસ મૂક્યું ‘ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’, પિતાને અંતિમ ફોન કરી કહ્યું-‘હું જાઉં ઉપર છું’
શહેરના રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટ સામે સિલ્વર કોમ્પલેક્ષ પાસે રહેતી ‘તોફાની રાધા’ તરીકે અને ઇન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ઓળખાતી રાધિકા હર્ષદભાઇ ધામેચા (ઉ.વ.૨૬) નામની યુવતિએ મોડી રાતે અલગ રહેતાં પિતા હર્ષદભાઇ ધામેચાને ફોન કરી ‘હું હવે ઉપર જાઉ છું’ તેમ કહી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર છેતાલીસ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી રાધિકા-તોફાની રાધાએ આત્મહત્યા શા માટે કરી? તેની તપાસ પોલીસ કરી રહી છે. પિતા સહિતના પરિવારજનોએ કહ્યું હતું કે-દિકરી આપઘાત કરે તેવી નહોતી. પોલીસે કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ રાધિકા ધામેચાએ રાતે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ હીનાબેન મણવર સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પિતા હર્ષદભાઇએ જણાવ્યું હતું કે દિકરીએ આ પગલુ શા માટે ભર્યુ તેની અમને ખબર નથી. દિકરી મારાથી સાત આઠ વર્ષથી અલગ રહેતી હતી. હર્ષદભાઇએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ દિકરી ગોવા તરફ ફરવા ગઇ હતી. તેણી આપઘાત કરે તેવી નહોતી. રાતે સાડા અગીયાર આસપાસ મને તેણીએ ફોન કર્યો હતો અને ‘હું હવે ઉપર જાઉ છું’ તેમ કહેતાં મેં તેને કંઇ કરતી નહિ, હું આવુ જ છું તેમ કહ્યું હતું અને તેનો ફોન કટ કરી સાધુ વાસવાણી રોડ પરના મારા ઘરેથી દિકરી રાધીકાના ઘરે દસેક મિનીટમાં જ પહોંચી ગયો હતો. પણ ત્યાં સુધીમાં તેણીએ ગળાફાંસો ખાઇ લીધો હોઇ નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. પોલીસે આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ તપાસ યથાવત રાખી છે.

ઉલ્લેખનિય છે કે રાધિકા ઉર્ફ તોફાની રાધા ઇન્સ્ટાગ્રામમાં છેતાલીસ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી હતી. તો બીજી તરફ અમુક કારણોસર વિવાદમાં પણ રહેતી હોઇ પોલીસ ચોપડે પણ ચડી હતી. બે વર્ષ પહેલા તેણે પોલીસ સ્ટેશનમાં બનાવેલી રીલના કારણે પ્ર.નગર પોલીસે અટકાયત કરી માફી મંગાવી હતી. અગાઉ પણ અન્ય કારણોસર પોલીસ ચોપડે ચડી હતી. તોફાની રાધાના નામની તેની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં અનેક પ્રકારની તેની રીલ્સ, વિડીયો છે જેમાં તે મોજીલુ જીવન જીવતી હોવાની પ્રતીતિ થઇ રહી છે. તો અમુક વિડીયોમાં તે એકદમ બિન્દાસ્ત બનીને ડાયલોગ બોલી રહેલી તો ક્યારેક માતાજીના માંડવામાં પણ પૈસા ઉડાવતી જોવા મળી રહી છે. રોલો પાડતા અનેક વિડીયો રીલ્સ તેની આઇડીમાં છે. રાતે આપઘાત કર્યો એ પહેલાના થોડા કલાક અગાઉ તેણે ત્રણ પોસ્ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્ટ કહી શકાય. તોફાની રાધાની આત્મહત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ યથાવત રાખી છે. દિકરાના આપઘાતથી ધામેચા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. તો સોશિયલ મિડીયા પર તોફાની રાધાના અનેક ચાહકો પણ ઉદાસ થઇ ગયા છે.