રાજકોટ મહાનગર પાલિકાની આંગણવાડીઓ રામભરોસે
આંગણવાડીના બાળકોને પીરસાય છે ખાણદાણ જેવો નાસ્તો
14975 બાળકોને ગુજરાત સરકારના મેનુ મુજબ નહીં પણ કોન્ટ્રાકટરની ઈચ્છા મુજબ અપાઈ છે નાસ્તો !
રાજકોટ : વિકસિત રાજકોટમાં 3000 કરોડથી વધુનું બજેટ રજૂ કરનાર રાજકોટ મહાનગર પાલિકામાં દીવા તળે અંધારું જેવો ઘાટ છે, કેબલ બ્રિજ, લાઈટ હાઉસ, સફારી પાર્ક, સ્માર્ટ સીટી, અટલ સરોવર જેવી યોજનાઓ તરતી મુકનારા રાજકોટ મહાનગર પાલિકાના શાસકો ક્યારેય ભારતના ભાવિ એવા આંગણવાડીના બાળકોને નાસ્તામાં શું પીરસાય છે તેની તકેદારી ન રાખતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વોઇસ ઓફ ડેના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શહેરની 365 આંગણવાડીમાં આવતા 14975 બાળકોને પશુઓને ખાણદાણ આપવામાં આવે તેવો હલકી ગુણવતા વાળો નાસ્તો કહેવાતા સેન્ટ્રલ કિચન એટલે કે પતરાના શેડમાં વહેલી સવારે તૈયાર કરી રવાના કરવામાં આવતો હોવાની નરી વાસ્તવિકતા સામે આવી છે.
ગુજરાત સરકાર બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં 6 માસથી 5 વર્ષના બાળકો માટે આંગણવાડી ચલાવી રહી છે જે અન્વયે રાજકોટ શહેરમાં આવેલ 364 તેમજ એક સેન્ટ્રલ જેલની એક મળી કુલ 365 આંગણવાડીઓ રાજકોટ મહાનગર પાલિકાની સીધી જ દેખરેખ હેઠળ ચલાવવામાં આવે છે. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં દરેક આંગણવાડીમાં સંચાલિકા અને હેલ્પર બાળકોને દિવસમાં સરકારના નક્કી કરેલા મેનુ મુજબ બે વખત ગરમ નાસ્તો બનાવીને આપે છે પરંતુ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત 365 આંગણવાડીમાં આવતા 14975 બાળકોને કહેવાતા સેન્ટ્રલ કિચનમાં ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા વહેલી તૈયાર કરવામાં આવતો નાસ્તો રીક્ષા મારફતે મોકલી આપવામાં આવે છે જેથી બાળકોને દરરોજ ગરમને બદલે ઠંડો નાસ્તો પીરસવામાં આવે છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, રાજકોટ મહાનગર પાલિકાના આઈસીડીએસ વિભાગ હેઠળ ચાલતી 365 આંગણવાડીઓમાં આવતા 14975 બાળકોને પીરસવામાં આવતો નાસ્તો આધુનિક સેન્ટ્રલ કિચનમાં નહીં પરંતુ રાજકોટના ઔદ્યોગિક હબ એવા મહાદેવ વાડીમાં ભાડે રાખવામાં આવેલ શેડમાં વહેલી સવારે તૈયાર કરી લેવામાં આવ્યા બાદ સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવતો હોવાનું ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીના સંચાલક રામજીભાઈએ જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના આઈસીડીએસ વિભાગના પીઓ એટલે કે, પ્રોગ્રામ ઓફિસરે દરેક આંગણવાડીમાં બે ટાઈમ ગરમ નાસ્તો આપવાનો નિયમ હોવાનું જણાવ્યું હતું. આ સંજોગોમાં વહેલી સવારે તૈયાર થતો અને સાડા આઠ વાગ્યે રવાના થતો નાસ્તો ગરમ કેમ કહી શકાય તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
નોંધનીય છે કે, વોઇસ ઓફ ડેએ મહાનગર પાલિકાની આંગણવાડીઓ માટે જ્યાં નાસ્તો તૈયાર કરવામાં આવતો હતો તે સેન્ટ્રલ કિચનની વહેલી સવારે અહીં સ્ટીલની કોઠીમાં ભરેલા પુલાવ ભાત ( માત્ર બટાટા સાથેના ભાતને પુલાવ ભાત ગણાવાયા) વઘારેલા ચણા અને મોટા-મોટા ગઠ્ઠા સાથેની લાપસી અલગ-અલગ રિક્ષામાં રવાના કરવામાં આવી રહી હતી અને સાડા સાત વાગ્યા સુધીમાં કિચન પાણીથી ધોઈને સાફ કરી નાખવામાં આવ્યું હતું. હવે અહીં સવાલ એ ઉઠે છે કે, 365 આંગણવાડીમાં મોકલાયેલ આ સ્ટીલની કોઠી ભરેલા નાસ્તામાંથી કઈ આંગણવાડીને કેટલો નાસ્તો આપવો એ કેવી રીતે નક્કી કરવામાં આવે તે સવાલનો જવાબ સેન્ટ્રલ કિચનના સંચાલક કે આઇસીડીએસના સીડીપીઓ પાસે પણ ન હતો.
સેન્ટ્રલ કિચનમાં કોમર્શિયલને બદલે ઘરેલુ ગેસના બાટલાનો વપરાશ
રાજકોટ મહાનગર પાલિકાની આંગણવાડીના 14975 બાળકો માટે જ્યાં સરરોજ નાસ્તો તૈયાર થાય છે તેવા મહાદેવ વાડીમાં આવેલા ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીના સેન્ટ્રલ કિચનમાં ગરમ નાસ્તો તૈયાર કરવા માટે નિયમ મુજબ કોમર્શિયલ નહીં પરંતુ ઘરેલું વપરાશના રાંધણગેસના બાટલાનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. સંચાલક રાંધણગેસના આ બાટલા અતુલ ગેસ એજન્સીમાંથી લાવતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આટલા મોટા પ્રમાણમાં ઘરેલુ બાટલાનું ડાયવર્ઝન કેવી રીતે કરવામાં આવે છે તે પણ તપાસ માંગી લેતો વિષય છે.
સરકારના નિયમ મુજબ બાળકો માટે નક્કી કરાયેલ મેનુ
સોમવાર – લીલા શાકભાજી અથવા દૂધી ઉમેરી થેપલા અથવા ભાખરી
તેમજ સરગવાના પાન સાથેની લચકો તુવેરદાળ
મંગળવાર – લીલીભાજીના વઘારેલા મુઠીયા તેમજ
સરગવાના પાન ઉમેરેલા વઘારેલા ચણા
બુધવાર – ભાત -તુવેરદાળનો લચકો, શાક
ગુરુવાર – શાકભાજી ઉમેરેલો પુલાવ તેમજ
સરગવાના પાન ઉમેરેલા વઘારેલા ચણા
શુક્રવાર – દૂધીના ઢેબરા તેમજ
સરગવાના પાન ઉમેરેલા વઘારેલા ચણા
શનિવાર – વઘારેલા ઢોકળા અથવા ઈડલી
ચાર મહિનાથી સીડીપીઓ સેન્ટ્રલ કિચનમાં ગયા જ નથી
રાજકોટ મહાનગર પાલિકામાં આઈસીડીએસ વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર નીચે ત્રણ સીડીપીઓ ફરજ બજાવે છે આ સીડીપીઓને તમામ આંગણવાડી તેમજ સેન્ટ્રલ કિચનની નિયમ મુજબ તપાસ કરવાની હોય છે. જો કે, કમિશનરના આદેશ બાદ ગત ઓક્ટોબર -નવેમ્બર 2024 બાદ મહાનગર પાલિકાના ત્રણ પૈકી એક પણ સીડીપીઓ મહાદેવ વાડીમાં આવેલ સેન્ટ્રલ કિચનની મુલાકાતે ન ગયા હોવાનું ખુદ આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં સામે આવ્યું હતું.