કોંગ્રેસનો વોટ શેર ઘટીને 26થી 36 ટકા રહ્યો, પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4.28 ટકા વોટશેર
રાજ્યની 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહાનગર-નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ મતગણતરી બાદ ભાજપનો વોટશેર વધીને 52 ટકાને પર થયો છે, સામાપક્ષે કોંગ્રેસના વોટશેરમાં ગાબડાં પડ્યા છે અને પાલિકા પંચાયતોમાં ફક્ત 26 ટકાથી લઈ 36 ટકા સુધી જ વોટશેર રહેતા કોંગ્રેસની લોકપ્રિયતામાં ઘટાડો થયાનું સ્પષ્ટ બન્યું છે, બીજી તરફ નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કુલ 4.28 ટકા વોટશેર ખેંચી ગયાના આંકડા પણ સામે આવ્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ભાજપના વોટશેરમા વધારો જોવા મળ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 3,38112 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ભાજપને કુલ 1,77,393 મત મલ્યા હતા જેથી 52.47 ટકા વોટશેર મળ્યો છે જયારે કોંગ્રેસને કુલ 1,22,530 મત મળતા અહીં 36.24 ટકા વોટ શેર મળ્યો હતો. જયારે આમ આદમી પાર્ટીને જૂનાગઢ નગરપાલિકામાં કુલ મતમાંથી 20,580 મત મળતા 6.09 ટકા વોટશેર મળ્યો હતો. જૂનાગઢ નગરપાલિકામાં 60 બેઠકમાંથી 48 ભાજપને 11 કોંગ્રેસને અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ છે.

નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામના આંકડા ઉપરથી વોટશેર જોવામાં આવે તો કુલ 68 નગરપાલિકાઓમાં 35,60,657 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગબ કર્યો હતો જેમાં ભાજપને 1341 બેઠક સાથે 18,16,673 મત મળતા અહીં ભાજપનો વોટશેર 51.02 ટકા જોવા મળ્યો હતો. જયારે કોંગ્રેસને 1840 બેઠકોમાંથી કુલ 252 બેઠક અને 9,34,877 મત મળતા અહીં કોંગ્રેસને 26.26 ટકા વોટશેર મળ્યો હતો. જયારે અપક્ષ ઉમેદવારો 151 બેઠક સાથે 4,90,622 મત ખેંચી ગયા હતા. નગરપાલિકા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી 43 બેઠક સાથે 1.81 ટકા વોટશેર, આમ આદમી પાર્ટી 27 બેઠકો સાથે 4.28 ટકા અને બહુજન સમાજ પાર્ટી 18 બેઠકો સાથે 1.38 ટકા વોટશેર લઈ ગઈ છે.
જયારે જિલ્લા પંચાયતની 9 બેઠકની ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ 71.23 ટકા વોટશેર સાથે તમામ બેઠકો ઉપર વિજેતા બની હતી અને કોંગ્રેસનો વોટશેર 26.25 ટકા રહ્યો હતો. જયારે તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં કુલ 78 બેઠકોમાંથી ભાજપે 53.48 ટકા વોટશેર સાથે કુલ 55 બેઠક અંકે કરી હતી જયારે કોંગ્રેસે 39.72 ટકા વોટશેર સાથે 17 બેઠકો કબ્જે કરી હતી જયારે અન્ય છ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા.