વન-ડેમાં ગીલ નંબર વન : બાબરને પછાડી હાંસલ કર્યો તાજ: રોહિત ત્રીજા, કોહલી છઠ્ઠા ક્રમે યથાવત
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાંની સાથે જ પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને જોરદાર ઝટકો લાગ્યો હતો. લાંબા સમયથી આઈસીસી વન-ડે રેન્કીંગમાં ચાલી આવતી તેની બાદશાહતો અંત આવ્યો હતો. નવા વન-ડે બેટર રેન્કીંગમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગીલે બાજી મારી લીધી હતી. વન-ડેમાં નંબર વન રેન્કીંગ હાંસલ કરનારો ગીલ ભારતનો ચોથો બેટર છે.
શુભમન ગીલ અત્યારે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં નોંધપાત્ર રન બનાવ્યા હોવાથી તેનું ઈનામ મળ્યું હતું. પંજાબના ૨૫ વર્ષીય બેટર ગીલ પાસે ૭૯૬ રેટિંગ પોઈન્ટ છે જે બાબર (૭૭૩) કરતાં ૨૩ પોઈન્ટ વધુ છે. આવું બીજી વખત બન્યું છે જ્યારે ગીલ વન-ડે રેન્કીંગમાં પહેલાં ક્રમે પહોંચ્યો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગીલે પ્રથમ વન-ડેમાં ૮૭, બીજી વન-ડેમાં ૬૦ અને ત્રીજી વન-ડેમાં સદી બનાવી હતી. ગીલ ઉપરાંત અય્યરે પણ છલાંગ લગાવી હતી. શ્રેયસ હવે આઈસીસી રેન્કીંગમાં નવમા ક્રમે પહોંચ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો ત્રીજો અને કોહલીએ છઠ્ઠો ક્રમ જાળવી રાખ્યો છે.
વન-ડેમાં નંબર વન બનનારા ભારતીય બેટર
- સચિન તેંડુલકર
- મહેન્દ્રસિંહ ધોની
- વિરાટ કોહલી
- શુભમન ગીલ