આજના બજેટમાં વિકસિત ગુજરાતની છાંટ દેખાશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે 2025-26નું બજેટ, રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુરુવારે સવારે ૧૧ વાગ્યે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં અનેકવિધ નવી યોજનાઓ અને વિકસિત ગુજરાતની છાંટ જોવા મળશે તેવું લાગી રહ્યુ છે. પહેલા લોકસભા અને પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ખોબલે ખોબલે મત આપનારા મતદારો માટે થેન્ક્સ ગીવીંગ સમાન હશે તેવું સુત્રોએ કહ્યું છે. આ પૂર્વે બુધવારથી બજેટ સત્રની શરૂઆત થઇ છે અને પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા.
વિધાનસભા ગૃહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના વિકાસની અનેક સિદ્ધિઓને ગૃહ સમક્ષ વર્ણવી હતી. દેવવ્રત આચાર્યએ સંબોધનના આરંભે સરદાર પટેલને યાદ કર્યા અને ગુજરાતની નિરંતર વિકાસ પ્રક્રિયાને ગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેઓએ કહ્યું, ગુજરાતના અઢી દસકાનો વિકાસ ઇતિહાસમાં સુવર્ણ કાળ બની રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય, શિક્ષણ, રસ્તાનો નોંધપાત્ર વિકાસ થયો છે.દેશનું સંવિધાન માત્ર એક પુસ્તક જ બની ન રહે, પણ તેની સર્વ વિકાસ-સર્વ કલ્યાણની ભાવના દેશના લોકોની જીવનશૈલી બની રહે એ જરૂરી છે. જેને લઈ દેશભરમાં કેન્દ્રીય સરકારે હમારા સંવિધાન, હમારા અભિમાન અભિયાન અમલી કર્યું હતું. રાજ્યના સરદાર પટેલ, ક. મા મુન્શી અને હંસા મહેતાનું દેશ અને રાજ્ય માટે મહત્વનું યોગદાન રહ્યું છે. આપણા સરદાર પટેલ દેશ માટે અસરદાર નેતા રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “દેશમાં પોલીસી નિર્માણમાં ગુજરાત મોખરાનું રાજ્ય બન્યું છે.ગુજરાત અવિરત વિકાસ માટે સતત નીતિ નિર્ધારણ કરતું રાજ્ય બન્યું છે. ગુજરાત જળ ટેકનિકલ ક્ષમતા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી અગ્રેસર છે. જેના કારણે હાલ રાજ્યમાં ધોલેરા સર ખાતે વિશ્વ સ્તરનું પ્રોડક્શન સેન્ટર બનશે. ગુજરાતે 12 નીતિ ઘડી અને તેના અમલ થકી વિકાસ પ્રક્રિયામાં અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્ય હાલ સોલાર ક્ષેત્ર, પ્રાકૃતિક ખેતી અને સેમી કંડકટર બાબતે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત વિકસિત ભારત, વિકસિત ગુજરાત થકી 2047 માં દેશ અને રાજ્યને વિકાસ થકી અગ્રેસર છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ હથકડી પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન
બજેટ સત્રના પહેલા દિવસે જ કોંગ્રેસે પોતાના આક્રમક વલણનો સંદેશો આપી દીધો હતો. સત્ર શરુ થતાંની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ ‘ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’ના નારા લગાવ્યા હતાં. વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો.