આજે RMCનું બજેટબોર્ડ: એક કલાક સુધી `ગુણગાન’ જ ગવાશે : વિપક્ષ રેસકોર્સ સ્ટેડિયમ ભાડે આપવા, મેયરનો મહાકુંભ વિવાદ ગજવશે
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી ત્યારે આજે આ બજેટને જનરલ બોર્ડમાં પ્રસ્તુત કરી મંજૂર કરવામાં આવશે. સામાન્ય રીતે જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી સમાવિષ્ટ હોય છે પરંતુ જ્યારે બજેટ મંજૂર કરવાનું હોય ત્યારે પ્રશ્નોત્તરીની જગ્યાએ બજેટમાં સામેલ યોજનાના ગુણગાન જ ગાવામાં આવતાં હોય શાસકો દ્વારા એક કલાક સુધી બજેટના વખાણ કરવા સિવાય બીજી કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
બીજી બાજુ વિપક્ષ પાસે બજેટનો વિરોધ કરવા માટે એકમાત્ર મુદ્દો રેસકોર્સ સ્ટેડિયમને ભાડે આપી તેમાં મ્યુઝિકલ નાઈટ, લગ્નપ્રસંગ તેમજ રાસોત્સવ યોજવાની મંજૂરી આપતી યોજના બજેટમાં સામેલ કરાઈ હોય તેનો વિરોધ કરવામાં આવી શકે છે. આ સિવાય વિરોધ કરવા માટે તેના પાસે બીજો કોઈ મુદ્દો હોય તેવું હાલ લાગી રહ્યું નથી. આ ઉપરાંત મેયર દ્વારા તાજેતરમાં સરકારી કાર મારફતે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સ્નાન કરવામાં આવ્યું હતું તેનો વિરોધ વિપક્ષ અચૂકપણે કરશે.

દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે કોંગ્રેસનું ધોવાણ થયું છે તેને લઈને આજે ભાજપ દ્વારા કોંગ્રેસને ટોણા મારવાની એક પણ તક જતી કરવા દેવામાં આવશે નહીં અને જેવા કોંગ્રેસના ચાર પૈકી એક નગરસેવક વિરોધ કરવા અવાજ ઉઠાવશે કે તે ચૂંટણીના પરિણામો શું આવ્યા તેને લઈને બોલતી બંધ કરી દેવામાં આવશે.