ભાડાપટ્ટાની જમીનની મૂળ માલિકી સરકારની : કલેકટરનો મહત્વનો ચુકાદો
રાજકોટ જિલ્લાના વિછિયા ખાતે જિનિંગ પ્રેસ માટે ભાડાપટ્ટે આપેલી જમીન અંગેના કેસમાં આપ્યો ચુકાદો
રાજકોટ જિલ્લાના વિછિયા ખાતે વર્ષ 1955માં જિનિંગ પ્રેસ ઉદ્યોગના હેતુ માટે 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવેલ જમીનમાં રેવન્યુ રેકર્ડ ઉપર 7/12માં બીજા હક્કમાં ભાડા પટ્ટેદારનું નામ રાખી મુખ્ય નામમાં શ્રી સરકારની નોંધ પાડવામાં આવતા ભાડા પટ્ટેદારે મામલતદાર અને જસદણ પ્રાંતના હુકમ સામે રીવીઝન અરજી કરતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મહત્વપૂર્ણ ચુકાદો આપી ભાડા પટ્ટે આપવામાં આવેલી જમીનની મૂળ માલિકી સરકારની જ રહેતી હોવાનું ઠેરવ્યું હતું. નોંધનીય છે, કે ભૂતકાળમાં સરકારે જે તે હેતુ માટે ભાડાપટ્ટે ફાળવેલી જમીનો યેનકેન પ્રકારે વેચાણ કરવાના અનેક બનાવો વચ્ચે રાજકોટ જિલ્લા કલેકટરના આ ચુકાદાથી ભાડાપટ્ટાની જમીનની માલિકી અંતે તો સરકારની જ રહેતી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

આ કેસની હકીકત જોવામાં આવે તો રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વિંછીયા ગામના રેવન્યુ સ.નં.૬૬ ની હે.૩-૯૪-૯૭ ચો.મી. જમીન મામલતદાર જસદણના હુકમ નં.રેવ-૧૨૭૫ તા.૧૭-૭-૧૯૫૫ થી શેઠ મે.તુલશીભાઈ ખીમાજીભાઈને જીનીંગ પ્રેસ ઉદ્યોગ માટે ૯૯ વર્ષના ભાડાપટ્ટેથી ફાળવવામાં આવેલ. જેની નોંધ નં.૨૦૨ દાખલ થઈ પ્રમાણિત થયેલ છે. ત્યારબાદ મે.તુલશીદાસ ખીમજી ઈન્ડસ્ટ્રીઝ પાસેથી શા.મણીકાંત પદમશીએ આ જમીન કલેકટરના તા.૫-૧૧-૧૯૫૫ ના હુકમથી પરવાનગી મેળવી ૯૯ વર્ષના ભાડાપટ્ટેથી રાખેલ. જેની નોંધ નં.૨૦૪ દાખલ થઈ પ્રમાણિત થયેલ હતી. ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રના કલેકટર દ્વારા મણીકાંત પદમશી ઝવેરીના કુલ મુખત્યાર સોમપરી મૌતીપરીને ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન આપતા તેની નોંધ નં.૨૫૦ દાખલ થઈ પ્રમાણિત થયેલ હતી.
જો કે, બાદમાં વિછીયા મામલતદારના ક્ષતિ સુધારણા હુકમથી વર્ષ ૨૦૧૪માં વિછીંયાની રેવન્યુ સ.નં.૬૬ ની ભાડાપટ્ટાની જમીનની નોંધ કબજેદાર હકમાંથી બીજા હકકમાં દાખલ કરવા તેમજ નોંધ નં.૨૦૪ ની વેચાણ નોંધ મુજબ વેચનાર અને ખરીદનાર બન્ને નામ કબજા હકકમાં આવેલ હોવાથી વેચાણ કરનારનું નામ કમી કરી ખરીદનારનું નામ બીજા હકકમાં દાખલ કરવા નોંધ નં.૩૫૩૬ તા.૧૨-૧૨-૨૦૧૪ થી દાખલ કરી હતી. સાથે જ તા.૪-૩-૨૦૧૫ ના રોજ નોંધને પ્રમાણિત કરતા આ નોંધથી નારાજ થઈ મણીકાંત પદમશી ઝવેરીના કુલમુખત્યાર મહેન્દ્રકુમાર પી. ઝવેરી દ્વારા નાયબ કલેકટર જસદણ સમક્ષ અપીલ અરજી કરી હતી.
જો કે, નાયબ કલેકટર દ્વારા સમગ્ર કેસના પ્રોસીડીંગ્સ ચલાવી તા.૩૧-૭-૨૦૨૩ થી અરજદારની અપીલ અરજી અંશતઃ “ગ્રાહય” રાખવા અને વિંછીયા ગામના હકકપત્રક નોંધ નં.૩૫૩૬ તા.૧૨-૧૨-૨૦૧૪ ની નોંધ પ્રમાણીત કરતો નીચેની કોર્ટના હુકમમાં પહેલા સ્વસ્તિક કો.ઓ.હાઉસીંગ ઇન્ડસ્ટ્રીઝનુ નામ કમી કરીને ૭/૧૨ ના બીજા હકકમાં શા.મણીકાંત પદમશી કરવા હુકમ કર્યો હતો. જેની સામે નારાજ થઇ મહેન્દ્રકુમાર પી.ઝવેરીએ જિલ્લા કલેકટર સમક્ષ રીવીઝન અરજી દાખલ કરતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અરજદાર ભાડાપટ્ટેથી સરકારી જમીન ધારણ કરતા હોય જમીનની મૂળ માલિકી સરકારની જ ગણાય જેથી સરકારનું નામ કરી અરજદારનું નામ દાખલ કરવાની અરજદારની માંગણી વ્યાજબી ન હોવાનું ઠેરવી જસદણ પ્રાંતનો હુકમ યોગ્ય ઠેરવી અપીલ અરજી રિજેક્ટ કરી દીધી હતી.