મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન : કાલે પરિણામ
સરેરાશ 56.60 ટકા મતદાન
મીની ધારાસભા જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોએ દેખાડ્યો ઉત્સાહ : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ
રાજ્યની ૬૬ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત અને જુનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ છે. મતદાનની સરેરાશ ટકાવારી ૫૬.૬૦ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઇ ચુકી છે. રવિવારે મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહતી. આજે મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.આજે થયેલા મતદાનનું પરિણામ તા. ૧૮મીએ આવશે.
ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે પહોંચ્યા હતા.લલિત વસોયાએ માતા, પુત્રવધુ સાથે મતદાન કર્યું હતું. તેમણે ધોરાજીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જેતપુરમાં વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ ખોટકાઈ જતાં મતદારોની લાંબી લાઈન સર્જાઈ હતી અને મતદાન ખોરવાઈ ગયું હતું. આ જ રીતે દ્વારકાના સલાયામાં વોર્ડ નંબર 2માં કલાકો સુધી ઈવીએમ ખોટકાતાં મતદારો રઝળી પડ્યા હતા.
જામનગર, બોટાદ અને ધંધુકામાં લગ્ન પહેલા વરરાજાઓ મતદાન માટે મતદાન મથકે ગયા હતા અને મતદાન કર્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં હતા. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.
વલસાડથી એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં વોર્ડ નંબર 2માં ભાજપને વોટ આપતા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જોવા મળ્યો હતા. અહીં વોર્ડ નંબર 4 પર બે એજન્ટો બાખડ્યા હતા.
‘લાવો, માવડીને હું ઊંચકી લઉં’, મા સમાન વૃદ્ધાને મતદાન મથકમાં પોલીસનો સહારો..
રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે મતદાન માટે આવતા લોકોની વચ્ચે માનવતા મહેકાવતું એક દ્રશ્ય જોવા મળ્યું હતું.આ દ્રશ્યમાં એક નવયુવાન પોલીસકર્મી એક વડીલ વૃદ્ધ માતાને ઉંચકીને મતદાન મથકની અંદર લઈ જાય છે. મતદાન પત્યા બાદ ફરીથી તેઓને ઉપાડીને મતદાન મથક બહાર છેક વાહન સુધી તેડીને લઈ જઈ વાહનમાં બેસાડે છે. આ ક્ષણે વડીલ વૃદ્ધાને નવયુવાન પોલીસમાં સાક્ષાત શ્રવણનો ભાવ અનુભવાયો હતો. જ્યારે ધોરાજીનાં પોલીસને માતા સમાન વડીલ વૃદ્ધાને સહારો આપવાનો આત્મસંતોષ જોવા મળી રહ્યો હતો. ધોરાજી મતદાન મથકે પોલીસ બજાવતા ધોરાજીના આ પોલીસ એટલે પી. કે. ગોહિલ. ખાખી વર્દીની અંદર પણ કોમળ હૃદયનો માનવી જ વસતો હોય છે, તેવું તેમની કામગીરીને જોઈને લોકોને પ્રતીત થયું હશે.
ચૂંટણી અધિકારી પીધેલી હાલતમાં ફરજ ઉપર આવ્યા
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર વીરેન્દ્ર સુખાભાઈ બારિયા ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા હતા. તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા ત્યારે પીધેલી હાલતમાં જણાતા તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેઓ રાસ્કા સરકારી પોલિટેક્નિક, ખેડા ખાતે લેક્ચરર તરીકે પણ ફરજ બજાવે છે. મહેમદાવાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
દુલ્હને મતદાન કર્યું
જેતપુરમાં સ્થાનિક ચૂંટણીના મતદાનમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું મતદાનના દિવસે લગ્નના માંડવે જતાં પહેલા વોર્ડ નંબર 2માં દુલ્હન જોનસી રાદડિયાએ મતદાન કર્યું હતું. આ દુલ્હને લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ લોકોને સંદેશો આપ્યો હતો