નબળી કામગીરી અને HOD મિટિંગમાં બબાલની ચર્ચાઓ વચ્ચે પીજીવીસીએલના પ્રોક્યુરમેન્ટ અધિક્ષક ઈજનેર સસ્પેન્ડ
- બોટાદથી દોઢ વર્ષ પૂર્વે જ રાજકોટ કોર્પોરેટ કચેરીમાં આવેલા ઇજનેરને ટાર્ગેટ બનાવાયાની પણ ચર્ચા
રાજકોટ : રાજકોટની પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીમાં માલમટીરીયલ ખરીદી વિભાગ એટલે કે પ્રોક્યુરમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિક્ષક ઈજનેરને મટીરીયલ ખરીદીમાં નબળી કામગીરી ઉપરાંત એચઓડીની બેઠકમાં થયેલી બબાલ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પીજીવીસીએલના ઈજનેર ,આલમ સોપો પડી જવાની સાથે પ્રામાણિક અધિકારીનો ભોગ લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે,બીજી તરફ આ ઈજનેર લગ્નપ્રસંગમાં હોય ત્યારે જ સસ્પેનશન હુકમ જારી કરાયાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ખાતે આવેલ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ કચેરીમાં પ્રોક્યુરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અધિક્ષક ઈજનેર આર.જી.ગોવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. વધુમાં સસ્પેન્ડ કરવામાં આવેલ ઈજનેર રાજેશભાઈ ગોવાણી દોઢ વર્ષ પૂર્વે બોટાદ સર્કલમાંથી બદલી થતા રાજકોટ કોર્પોરેટ કચેરીમાં માલ મટિરિયલ્સની ખરીદી વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા આર.જી.ગોવાણીને તાજેતરમાં એચઓડી બેઠકમાં બબાલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલના પ્રોક્યુરમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે ખરીદીની વિશાળ સતા રહેલી છે. વીજ પોલ, ટ્રાન્સ્ફોર્મરથી લઈ અનેક નાની મોટી ખરીદી આ વિભાગ હસ્તક જ કરવાની હોવા છતાં પ્રોક્યુરમેન્ટ અધિક્ષક ઈજનેર આર.જી.ગોવાણી દ્વારા સતત નબળી કામગીરી કરવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પણ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.મહત્વનું છે કે, સસ્પેન્ડ કરાયેલા અધિક્ષક ઈજનેર રાજેશભાઈ ગોવાણીની નિવૃત આડે હવે દોઢ મહિના જેટલો જ સમયગાળો બાકી હોવાનું અને આવા સમયે જ તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા પીજીવીસીએલના ઇજનેરી આલમમાં સોપો પડી જવાની સાથે કચવાટ પણ ફેલાયો હોવાનું જાણવા મળે છે.