સત્યભામા : ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટિકોણથી લખાયેલી કૃષ્ણકથા
નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીનું વધુ એક શ્રેષ્ઠ સર્જન
કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ જેના પર સાહિત્યમાં ખૂબ લખાયું છે. દરેક પેઢી માટે કૃષ્ણ એક રસનો વિષય. કૃષ્ણકથામાં નવ રસ છે. એ તમામ કથાઓ જે જગતમાં બીજે ક્યાંય નથી એ બધી કથાઓ કૃષ્ણની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ, આજે વાત રાધાનાં કૃષ્ણની કે યશોદાનાં કૃષ્ણની નહીં, સત્યભામાનાં કૃષ્ણની કરવાની છે.
ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટિકોણથી કૃષ્ણકથા કહેવાઈ રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની કલમે નવું પુસ્તક – સત્યભામા.
સત્યભામા, આમ તો કૃષ્ણની અષ્ટપટરાણીઓમાંની એક પણ તોય સૌથી જુદી ! એવી નાયિકા જે માનતી કે હું ટોળાનો ભાગ નહીં, ટોળાનું કારણ હોઈ શકું ! એવી સ્ત્રી જે સ્વયંને સર્વશ્રેષ્ઠ માનતી. સત્યભામા આજીવન એવા ભ્રમમાં રાજી રહી કે કૃષ્ણ સૌથી વધારે પ્રેમ માત્ર અને માત્ર એને જ કરે છે. સૌથી સુંદર વાત કે એનો આ ભ્રમ કૃષ્ણએ ક્યારેય તોડ્યો નથી.
અહીં,આ પુસ્તકમાં કૃષ્ણને પામવાની સત્યભામાની પોતીકી યાત્રા છે.
કૃષ્ણની સોળ હજાર એકસો અને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.”
પરંતુ….
એક હતી પટરાણી સત્યભામા !
જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી !”
આ કથા સત્યભામાની છે. જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતનાં ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે,
ભલે હું રાધાની જેમ રાસ નથી રમી….
ભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું….
ભલે દ્રૌપદીની જેમ મને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું….
ભલે જાંબવતીની વનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું…
તો પણ,
કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે !
આ કથા સત્યભામાનાં કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામા નહીં, પડાવ છે. આ નવલકથામાં રાધા, રુક્મિણી, દ્રૌપદી, જાંબવતી, સુભદ્રા, યશોદા, દેવકી અને રેવતી છે. આ સૌ નારીપાત્રોનાં પોતપોતાના કૃષ્ણ છે.
અહીં કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહી રહી છે કે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું તો બળ્યું, મારે મહાન નથી થવું. થોડું જાતને સંકોરતા શીખો કૃષ્ણ, બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહીં !

કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઉભી કરી દીધી પણ નારીનાં મનનું તળિયું તો તમે માપી નથી શક્યા !”
યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ ક્યાંય નથી ગઈ, અહીં જ ઊભી છે આજેય. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે શાશ્વત !
લેખક તરીકે ‘મહોતું’, ‘કૉફી સ્ટોરીઝ’ અને ‘કન્ફેશન બૉક્સ’ પછી રામ મોરીનું આ ચોથું પુસ્તક છે. આ પુસ્તક ૨૯૬ પેઈજનું છે અને તેની કિંમત ૩૪૯ રૂપિયા છે.
આર.આર. શેઠ પ્રકાશિત રામ મોરીની નવલકથા સત્યભામા. આ પુસ્તક મેળવવા આપ પ્રકાશક આર.આર.શેઠની વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો. મો : 8320037279 પર પ્રકાશનગૃહનો સીધો સંપર્ક કરીને પણ પુસ્તક ઓર્ડર કરી શકો છો.આ પુસ્તક બુકપ્રથાની સાઈટ પરથી પણ પ્રાપ્ત કરી શકાય છે . બુકપ્રથાના નીરજ મેઘાણીનો મો : +91 90335 89090 ઉપર પણ સંપર્ક કરી શકાય છે.