કપડાંની ૨૧૭ જોડીની ચોરી !
ચોરટાંઓ હવે ચોરી કરવામાં કશું જ બાકી રાખવા માંગતા નથી…
રાજકોટમાં ચોરી, લૂંટ, તફડંચી સાવ સામાન્ય બની ગયા હોય તેવી રીતે એક બાદ એક બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ચોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રિક્ષાચાલક દ્વારા કપડાંની ૨૧૭ જોડીની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે હંસરાજનગર શેરી નં.૧માં રહેતા અશોકભાઈ મોહનદાસ પુનવાણી (ઉ.વ.૫૯)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે પોતાના ઘેરથી કપડાંની જોડી વેચવાનું કામ કરે છે. ગત તા.૧૨ના સાંજે પાંચ વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે રાખેલા કપડામાંથી ૧૦૯ નંગ પેન્ટ અને ૧૦૭ નંગ શર્ટ મળી કપડાની ૨૧૭ જોડી કે જેની કિંમત ૧.૧૧ લાખ રૂપિયા થવા જાય છે તે પ્લાસ્ટિકના એક કોથળામાં ભરી ગોંડલ રહેતાં એક વેપારીનો ઓર્ડર મળ્યો હોય તેને પહોંચાડવા માટે ઘર પાસેથી એક રિક્ષા ભાડે કરી હતી. કપડાંના ત્રણ પાર્સલ રિક્ષામાં મુકી અશોકભાઈ બાઈક પર પાછળ જઈ રહ્યા હતા. આ કપડાં કેસરી હિન્દ પુલ પાસે ગુરુકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોંચાડવાના હતા પરંતુ અશોકભાઈ તો બાઈક લઈને ત્યાં પહોંચી ગયા હતા પરંતુ રિક્ષાચાલક ત્યાં આવ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ તે ક્યાં મળી ન આવતાં આખરે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.