રાજકોટ જિલ્લાની પાંચ પાલિકામાં કાલે 2.78 લાખ મતદારો કરશે મતદાન
પેરામિલેટ્રી ફોર્સનું આગમન, આજે બપોરે ચૂંટણી સ્ટાફ મતદાન મથકનો કબ્જો લઈ લેશે
રાજકોટ : રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજ્યની 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે આગામી તા.16ને રવિવારે મતદાન થનાર હોય શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડયા છે ત્યારે ઉમેદવારો મતદારોને આકર્ષિત કરવા ડોર – ટુ – ડોર એડી ચોટીની તાકાત લગાવી સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ પાલિકાની ચૂંટણીને લઇ રાજકોટમાં પેરામિલ્ટ્રી ફોર્સનું આગમન પણ થઇ ગયું છે અને આજે બપોર સુધીમાં પાંચેય નગરપાલિકાના મતદાન મથકોનો ચૂંટણી સ્ટાફ કબ્જો લઈ લેશે. સાથે જ રવિવારે જિલ્લાની પાંચેય પાલિકામાં કુલ મળી 2.78 લાખ મતદારો ચૂંટણી લડતા ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે.

આગામી તા.16ને રવિવારે જૂનાગઢ મહાનગર પાલિકા સહિત રાજ્યની 66 નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા મળી કુલ પાંચ નગરપાલિકાની તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણની કુલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.વધુમાં જસદણ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક માટે 64 ઉમેદવાર મેદાને છે અહીં બે બેઠક બિન હરીફ થઇ છે. જેતપુર-નવાગઢમાં 11 વોર્ડ માટેની 44 બેઠક માટે 140 ઉમેદવાર, ધોરાજી નગરપાલિકામાં 9 વોર્ડ માટેની 36 બેઠકો માટે 110 ઉમેદવાર, ભાયાવદર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે 68 ઉમેદવાર અને ઉપલેટા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પર 87 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેમાં પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતા પાંચ નગરપાલિકાની 168 બેઠકો માટે 469 ઉમેદવારો મેદાનમાં છે.
દરમિયાન નગરપાલિકાની ચૂંટણીમાં 16મીએ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થનાર હોય શુક્રવારે સાંજથી જાહેર પ્રચાર પડઘમ શાંત પડી જતા ઉમેદવારો મતદારોને આકર્ષિત કરવા ડોર – ટુ – ડોર પ્રચાર શરૂ કરી છેલ્લી ઘડી સુધી લડી લેવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ આજે શનિવારે બપોર સુધીમાં રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરથી ચૂંટણી સ્ટાફને રવાના કરવામાં આવતા તમામ મતદાન મથકોનો કબ્જો ચૂંટણી સ્ટાફ લઇ લેશે, જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણી માટે કુલ 4110 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયાં યોજાઈ તે માટે રાજકોટ જિલ્લામાં સ્થાનિક પોલીસ ઉપરાંત પેરામિલ્ટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવનાર હોય શુક્રવારે પેરામિલ્ટ્રી ફોર્સનું પણ આગમન થયું હતું.