રાજકોટના વેપારીઓએ મંગાવેલું ‘બેનંબરી’ ચાંદી-રોકડ પકડાયા !
૭૫ લાખનું ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડની રોકડ ચોરખાનામાં છુપાવીને રાજકોટ લવાઈ રહી'તી
રાજકોટ નજીક પહોંચીને
રિસિવર’ને ફોન કરી આપવાની હતી ડિલિવરી: મોબાઈલ નંબર હાથ લાગી જતાં ટૂંક સમયમાં જ થશે ઘટસ્ફોટ
દાહોદ પોલીસનું ખંગેલા ચેકપોસ્ટ ઉપર મેગા ઓપરેશન: ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અન્ય રાજ્ય મારફતે બેનામી સોનું-ચાંદી તેમજ રોકડની અવર-જવરમાં વધારો થઈ રહ્યો હોય પોલીસ પણ સાબદી થઈ જવા પામી છે. અગાઉ પણ મધ્યપ્રદેશની બોર્ડર મારફતે રાજકોટમાં ઘૂસાડવામાં આવેલી ચાંદી પકડાઈ ચૂકી છે ત્યારે આવો જ એક મોટો બેનંબરી' જથ્થો ફરી પકડાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટના વેપારીઓએ મંગાવેલા
બેનંબરી’ ચાંદી અને રોકડના જથ્થાને દાહોદની કતવારા પોલીસે પકડી પાડીને રાજકોટના વેપારીઓ સુધી પહોંચવા માટે તજવીજ શરૂ કરી દીધી છે.

પંચમહાલ ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી, દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ મથકના પીઆઈ ઉમેશ ગાવિત સહિતની ટીમ મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલી ખંગેલા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બંધ બોડીની બોલેરો કેમ્પર નં.એમપી-૩૨-ઝેડએ-૯૦૫૪ પસાર થતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. શરૂઆતમાં તો પોલીસને કશું શંકાસ્પદ જણાયું ન્હોતું પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરાતાં એક ચોરખાનું મળ્યું હતું જેની તલાશી લેતાં તેમાંથી ૧૦૮.૪૫૯ કિલો ચાંદીના બિસ્કિટ તેમજ દાગીના કે જેની બજારકિંમત ૭૫.૬૦ લાખ થવા જાય છે તે અને અલગ-અલગ દરની ચલણી નોટના ૧,૩૮,૪૭,૪૯૦ના બંડલ મળી આવતાં કારના ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા (ઉ.વ.૪૦, રહે.ઝાંસી), તેની બાજુમાં બેસેનલા મનિષકુમાર રામેશ્વરપ્રસાદ (રહે.ઝાંસી) અને ડ્રાઈવરની પાછળની સીટમાં બેઠેલા રાજુ શ્રીકાલીપ્રસાદ (ઉ.વ.૪૫, રહે.ઝાંસી)ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ તમામ સામાનનો બિલ અથવા આધાર-પૂરાવો રજૂ કરવાનું કહેતાં ત્રણેય ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.
જો કે પોલીસે આગવી ઢબે સરભરા કરતાં ત્રણેય પોપટ બની ગયા હતા અને આ જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી. જો કે રાજકોટ નજીક પહોંચે તે પહેલાં જ `રિસિવર’ને ફોન કરવાનો હતો. પોલીસને એક ચીઠ્ઠી મળી છે જેમાં મોબાઈલ નંબર લખેલા હોય તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્રણેયે પહેલી વખત ખેપ' મારી હોવાનું રટણ, વેપારીઓના મોબાઈલ નંબર મળ્યા છે: પીઆઈ ગાવિત આ અંગે કતવારા પોલીસ મથકના પીઆઈ ઉમેશ ગાવિતનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પકડાયેલા ત્રણેય શખ્સોએ પહેલી વખત જ આ રીતે ખેપ મારી હોવાનું રટણ કરી રહ્યા છે પરંતુ આ વાત પોલીસના ગળે ઉતરી રહી નથી. આ ઉપરાંત રાજકોટમાં આ રોકડ અને ચાંદી કોણે મંગાવ્યા હતા તેનું ચોક્કસ નામ જણાવી રહ્યા નથી પરંતુ આ લોકો પાસેથી જથ્થો મંગાવનારના મોબાઈલ નંબર મળ્યા હોય તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.