ચાર ઘર વચ્ચે એક જ ટોયલેટ-બાથરૂમ બન્યું બબ્બે હત્યાનું કારણ !! ભાડાના મકાનમાં રહેતાં બે પરિવાર વચ્ચે ખેલાયું’તું લોહિયાળ ધીંગાણું
- આર્યનગરમાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે ભાડાના મકાનમાં રહેતાં બે પરિવાર વચ્ચે ખેલાયું’તું લોહિયાળ ધીંગાણું
- જોરજોરથી બોલવા બાબતે બપોરે ડખ્ખો થયો, સાંજે મૃતક બાથરૂમમાં ગયો હોવાથી હત્યારો રોષે ભરાયો’ને છરીઓ હુલાવી દીધી: સાળા-બનેવીની ધરપકડ
રાજકોટની આર્યનગર શેરી નં.૧/૬ના ખૂણે મંગળવારે રાત્રીના સમયે ભાડાના મકાનમાં રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચે લોહિયાણ ધીંગાણું ખેલાયા બાદ બે લોકોની લોથ ઢળી જતાં સનસનાટી મચી જવા પામી હતી. આ બબ્બે હત્યા થવા પાછળ ચાર ઘર વચ્ચે એક જ ટોયલેટ-બાથરૂમ હોવું કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અત્યંત ક્ષુલ્લક કહી શકાય તેવા કારણથી બે સગા ભાઈની લોથ ઢળી જતાં પરિવાર ખેદાન-મેદાન થઈ જવા પામ્યો હતો. બીજી બાજુ આ હત્યાને અંજામ આપનાર સાળા-બનેવીની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગે જેની હત્યા થઈ તે અમિત જૈનની પત્ની અમીના સોનવાની (ઉ.વ.૨૯)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ઉપરોક્ત વિસ્તારમાં દીપક નાગજીભાઈ ઉંધાડના મકાનમાં છેલ્લા એક મહિનાથી ભાડે રહે છે. આ પરિવાર મુળ મધ્યપ્રદેશના રાજીબડેપથ્થર ગામનો રહેવાસી હતો. તેમની સાથે બે બાળકો, દીયર આકાશ, વીક્કી, સસરા રાજુ સહિતના સંયુક્ત રીતે રહેતા હતા. દીયર આકાશની પત્ની અનુ રિસાઈને સાસરે ચાલી ગઈ હોવાથી તે હંમેશા ગુસ્સામાં જ રહેતો હતો.
જ્યારે તેમના મકાનમાં સામેના ભાગે વિજય ગુપ્તા તેમજ નીચેના માળે તેનો સાળો છોટું ઉર્ફે સંજય તેના પરિવાર સાથે રહે છે. તેમની સાથે જ મકાન માલિક દીપક નાગજીભાઈ ઉંધાડ પણ રહે છે. જો કે આ ચારેય મકાન વચ્ચે એક જ ટોયલેટ-બાથરૂમની સગવડ છે. દરમિયાન મંગળવારે બપોરે ૧૨ વાગ્યે દીયર આકાશની પત્ની અનુ કોઈને કહ્યા વગર પીયર જવા નીકળી ગઈ હોય આકાશ જોરજોરથી બૂમ પાડતો હતો. આ વેળાએ મકાનની સામે રહેતા વિજય ગુપ્તાએ બુમબરાડા કેમ પાડો છો ? તેમ કહીને ઝઘડો કર્યો હતો. જો કે ત્યારે પરિવારજનો વચ્ચે પડતા ઝઘડો ટળ્યો હતો.

આ પછી સાંજે છ-સાત વાગ્યાના અરસામાં અમીનાનો પતિ અમિત જૈન તેમજ દીયર વિક્કી જૈન કામ પરથી પરત આવીને ૯:૩૦ વાગ્યાના અરસામાં નીચેના માળે બાથરૂમમાં ગયા હતા. આ વેળાએ નીચેના માળે રહેતો છોટું ઉર્ફે સંજય ગુપ્તાને પણ બાથરૂમ જવું હોય તે ત્યાં આવ્યો હતો પરંતુ બાથરૂમ `પેક’ હોવાથી બૂમબરાડા પાડવા લાગ્યો હતો. તેને શાંત રહેવા અને ઝઘડો નહીં કરવા પતિ અમિતે સમજાવ્યો તો તે ઉશ્કેરાઈને માર મારવા લાગ્યો હતો. આ વેળાએ છોટું ઉર્ફે સંજયનો બનેવી વિજય પણ નીચે આવી હતો અને તે પણ અમિત ઉપર તૂટી પડ્યો હતો. અમિતને બચાવવા દીયર વિક્કી અને આકાશ નીચે આવ્યા હતા પરંતુ એટલી વારમાં છોટુ ઉર્ફે સંજયે છરી કાઢી અમિત અને વિક્કીને મારી દેતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.