નાળિયેરની રૂા.૫૦૦ની ઉઘરાણી’ માટે ભાણેજે કર્યો મામાની હત્યાનો પ્રયાસ
લોટરી બજારમાં નાળિયેરના હોલસેલ વેપારીને ત્યાંથી કૌટુબિંક ભાણેજે ખરીદી કર્યા બાદ પૈસા આપવા બાબતે થયો'તો ડખ્ખો
રાજકોટના જ્યુબિલી રોડ પર આવેલી લોટરી બજારમાં હોલસેલમાં લીલા નાળિયેરનો ધંધો કરતાં ધંધાર્થીને તેના જ કૌટુંબિક ભાણેજે નાળિયેરની ૫૦૦ રૂપિયાની ઉઘરાણી મુદ્દે છરીના ઘા મારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મહેશ નારણભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે લોટરી બજારમાં નાળિયેરના ગોડાઉન પર હતો ત્યારે કૌટુંબિક ભાણેજ રમેશ લક્ષ્મણભાઈ પરમાર કે જે છેલ્લા એકાદ વર્ષથી હોલસેલમાં મહેશ પાસેથી નાળિયેરની ખરીદી કરે છે તે આવ્યો હતો. તેણે હોલસેલમાં એક નાળિયેરના ૩૬ રૂપિયા લેખે ૫૦૦ નાળિયેરની ખરીદી કરી રૂા.૧૮૦૦૦ ચૂકવ્યા હતા. આ પછી બીજા દિવસે સવારે રમેશ પરમારે ગોડાઉન પર આવીને ૫૦૦ નંગ નાળિયેરની ખરીદી કરી ૧૭૦૦૦ આપ્યા હતા જેથી મહેશે રમેશને કહ્યું હતું કે ૧૮૦૦૦ પૂરા આપો. ત્યારબાદ રમેશે ૧૭૫૦૦ આપતાં મહેશે કહ્યું હતું કે હું અઢાર હજારથી એક રૂપિયો પણ ઓછો નહીં લઉં. આ પછી રમેશ નાળિયેરના પૈસા આપ્યા વગર ચાલ્યો ગયા બાદ બે દિવસ બાદ રમેશ અને તેનો ભાઈ હેમંત પરમાર ગોડાઉન પર ધસી આવ્યા હતા અને
તું શું રૂપિયા રૂપિયા કરે છે’ કહી ગાળો આપી માર મારવા લાગ્યા હતા.
આ વેળાએ ગોડાઉનમાં નાળિયેર કાપવાની છરી પડી હતી તે લઈને રમેશે મહેશને ઝીંકી દીધી હતી. રમેશ અને હેમંતે છરીના ઘા ઝીંકી દેતાં મહેશને પગમાં રસી થઈ ગયા હતા જેથી તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.