RTO ઈન્સ્પેકટર- ટેક્નિકલ સ્ટાફની રાજ્યવ્યાપી હડતાળનો અંત : ટેક્નિકલ ઓફિસરો કામ પર પરત ફર્યા
રાજ્યભરમાં RTO ઇન્સ્પેક્ટરોની હડતાળનો અંત આવ્યો છે. RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેનો અંત આવ્યો છે, તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે,
શું હતો સમગ્ર મામલો ??
રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં આરટીઓના ઇન્સ્પેકટર આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર સહિતના અધિકારી અને ટેક્નિકલ સ્ટાફ દ્વારા પડતર માંગણીને લઈ સોમવારે નો લોગ ઈન ડે જાહેર કરી હડતાળ ઉપર ઉતરી જતા આરટીઓની રૂટિન કામગીરીને માઠી અસર પડી હતી. સાથે જ આજે આરટીઓ કર્મચારીઓ દ્વારા માસ સીએલ ઉપર ઉતરી જવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આરટીઓ કચેરીના ટેક્નિકલ કર્મચારીઓની હડતાળને પગલે રાજકોટ આરટીઓ કચેરીમાં એપોઈન્મેન્ટ લેનાર 100થી વધુ અરજદારોને ધરમ ધક્કો થયો હતો.
રાજકોટ આરટીઓ કચેરીના 25 જેટલા ઈન્સ્પેક્ટર હડતાળમાં જોડાયા હતા
આરટીઓ વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેકટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર તેમજ અન્ય ટેક્નિકલ કર્મચારી દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને રાજ્યભરના આરટીઓ કર્મચારીઓએ નો લોગીન ડે જાહેર કરી કચેરીમાં ઈન્સ્પેક્ટર કક્ષાની લોગઈનની તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી. આ હડતાળમાં રાજકોટ આરટીઓ કચેરીના 25 જેટલા ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. જેના કારણે આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતની તમામ કામગીરી બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે જે લોકોએ એપોઈન્મેન્ટ લીધી હતી તેઓ આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા. જો કે હડતાળના કારણે કામગીરી બંધ હોય લોકોને ધરમનો ધક્કો થયો હતો.

હડતાળ અંગે રાજકોટ આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવેશ શિંગાળાએ જણાવ્યું હતું કે, આ હડતાળમાં રાજકોટના 25 જેટલા કર્મચારીઓ જોડાયા છે. સાથે જ પડતર માંગણીઓમાં પ્રમોશન સહિતના મુદ્દે રજૂઆતો બાદ પણ માંગણી ન સંતોષવામાં આવતા આંદોલન શરૂ કરાયું હોવાનું અને રાજ્યભરમાં તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી કામ કરવાની સાથે નો લોગીન અભિયાન અંતર્ગત એક પણ ટેકનિકલ અધિકારીએ પોતાની કામગીરી કરી ન હતી. આરટીઓ કર્મચારીઓનીઓ હડતાળને પગલે રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ રહેતા 100થી વધુ અરજદારોને પરત જવું પડ્યું હતું. સાથે જ જો સરકાર માંગણી નહીં સંતોષે તો આજે તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરનાર હોવાનું તેમને જણાવ્યું હતું.