પ્યાર કિયા તો ડરના ક્યા…ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બોયફ્રેન્ડ અમદાવાદના કાંકરિયા ઝૂમાં વાઘણનાં પીંજરામાં ઘૂસ્યો, જુઓ વિડીયો
પ્રેમ આંધળો છે એ વાત સાચી પણ ૨૬ વર્ષના અનુપકુમાર પાસવાને તો પ્રેમ વાઈલ્ડ એટલે કે જંગલી છે તેવું સાબિત પણ કરી દીધું છે. પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે અમદાવાદના કાંકરિયા ઝૂમાં ફરવા માટે ગયેલો અનુપકુમાર સીન મારવા માટે વાઘણનાં પાંજરામાં કુદી પડ્યો હતો. આ પછી વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી કરીને તેણે ઝૂ સત્તાવાળાઓએ પોલીસને સોંપી દીધો હતો. એક્ચ્યુલી તેની ગર્લ ફ્રેન્ડે તેને ઉશ્કેર્યો હતો કે તું મને સાચો પ્રેમ કરતો હો તો આ વાઘણનાં પાંજરામાં અંદર જઈને સાબિત કર.
અનુપકુમાર પાસવાન નામનો આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો નિવાસી છે અને હાલમાં તે રખિયાલમાં રહે છે. બંને ઝૂમાં ફરતા ફરતા સફેદ વાઘ-વાઘણનાં પાંજરા પાસે આવ્યા અને આ સમયે પ્રેમિકાએ તેણે કહ્યું હતું કે તું મને પ્રેમ કરતો હો તો પાંજરામાં પ્રવેશ કરીને સાબિત કર. આ પાંજરામાં રાજકોટનાં પ્રદ્યુમનપાર્ક ઝૂમાંથી લાવવામાં આવેલી સફેદ વાઘણ હતી.
પ્રેમિકાની વાત સાંભળીને અનુપકુમાર પાંજરા પાસેના ઝાડ ઉપર ચડી ગયો હતો અને ઉપર પહોંચ્યો ત્યાં તેનો પગ લપસતા સીધો પાંજરામાં ખાબક્યો હતો. પાંજરામાં શિકાર સામેથી આવ્યો છે તેમ માનીને વાઘણ તેની નજીક પણ આવી હતી. જો કે, અનુપકુમારનાં નસીબ એટલા સારા હતા કે તે પાંજરામાં ખાબક્યો તેના અડધી કલાક પહેલા જ વાઘણને ભોજન આપી દેવામાં આવ્યું હતું. આ ઘટના જો થોડી મોડી બની હોત તો આ પ્રેમી-પંખીડાની લવ સ્ટોરીનો કરુણ અંત આવી શકત.

અનુપકુમાર પાંજરામાં ખાબક્યાની જાણ થતા જ ઝૂનો સ્ટાફ દોડી ગયો હતો અને વાઘણને દુર કરીને તેને પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. આ પછી તેની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ ૧૯૭૨નીં કલમ ૩૮જે અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ઝૂના સુત્રોએ કહ્યું હતું કે, આ વાઘણનો જન્મ રાજકોટના ઝૂમાં થયો હતો અને બે વર્ષ પહેલા જ કાંકરિયા ઝૂમા લાવવામાં આવી હતી. તે સ્વભાવે થોડી નરમ છે.અનુપકુમારને મણીનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તેના આ પરાક્રમથી તેની ગર્લ ફ્રેન્ડ ઈમ્પ્રેસ થઇ છે કે કેમ તે જાણી શકાયુ નથી.