દુકાન પાસે ગાંજો પીવાની ના પાડનાર વેપારીને છરીના ઘા ઝીંકી ચાર શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટમાં દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતા 4 ગંજેરીઓએ દુકાનદારને તેની દુકાનમાં ઘુસી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ હત્યામાં સંડોવાયેલ ચાર શખ્સોને ઝડપી લેવા રાજકોટ પોલીસને અલગ અલગ ત્રણ ટીમો તપાસ કરી રહી છે.
રાજકોટના દૂધસાગર રોડ પર ઉપર પાનની કેબીન ચલાવતા વિજય બાબરીયા નામના યુવાનની તેની કેબીનમાં ઘુસી અસ્લમ સહિતના ચાર શખ્સોએ વિજય ઉપર છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના ભાઈ જીતેશભાઇ બાબરીયાએ આ બાબતે થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ પાનની દુકાન ચલાવતો હોય દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે પાનની દુકાને કેટલાક ગંજેરીઓ આવ્યા હતા અને ગાંજો પિતા હતા. જે બાબતે મારા ભાઈએ તેમને દુકાન પાસે તેની પાનની કેબીને ગાંજો પીવા આવતા શખ્સોને કેબીન પાસે ગાંજો ન પીવા કહેતા સવારે તને જોઈ લઈશું કહીને જતા રહ્યા હતા. અને રાતે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં વિજયને ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતા સ્થાનિક થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકરીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે ચારેય હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
