વિજય બેન્કને બ્રાન્ચ મેનેજરે જ માર્યો ૯૩.૧૫ લાખનો ધૂંબો
સાગ્રીતો સાથે મળી બનાવટી ઈન્સ્યોરન્સ પોલિસી, આર.સી.બુક અને કારના કોટેશન ઉપર ૧૦ કારની લોન આપી દીધી
બ્રાન્ચ મેનેજર દેવિકા વસા ઉપરાંત શ્રૃજય વોરા, લક્ષ્યાંક વિઠ્ઠલાણી સહિત પાંચ સામે નોંધાયો ગુનો
રાજકોટની પ્રતિષ્ઠિત વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કને તેના જ મહિલા બ્રાન્ચ મેનેજરે સાગ્રીતો સાથે મળીને ૯૩.૧૫ લાખનો ધૂંબો મારી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે બ્રાન્ચ મેનેજર દેવિકા વસા ઉપરાંત શ્રૃજય વોરા, લક્ષ્યાંક વિઠ્ઠલાણી સહિત પાંચ સામે ગુનો નોંધી તેમની શોધકોળ હાથ ધરી હતી.

આ અંગે બેન્કની મુખ્ય બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દૂર્ગેશ આચાર્યએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ચાર મહિના પહેલાં વિનોદ પાંઉ અને સમીર અઢીયા દ્વારા એક લેખિત અરજી મુખ્ય બ્રાન્ચને આપવામાં આવી હતી જેમાં શ્રૃજય વોરા, લક્ષ્યાંક વિઠલાણી સહિતના સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પછી તપાસ કરાતાં મંગળા રોડ બ્રાન્ચમાંથી વિરેન પાંઉ અને સમીર અઢીયાએ કાર લોન મેળવી હતી તે કાર લોન બાબતે બ્રાન્ચ મેનેજર દેવિકા વસાને પૂછતાં તેમણે કહ્યું હતું કે લોન બ્રોકર શ્રૃજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી બાબતે આ બે કારની લોન કરાવી હોવા ઉપરાંત અન્ય આઠ કાર લોન પણ કરવામાં આવી હોવાનું કહ્યું હતું.
એકંદરે દેવિકા વસા પાસે શ્રૃજય વોરા, લક્ષ્યાંક વિઠલાણી સહિતનાએ ટાટા અલ્ટ્રોઝ સીએનજી કારની ૧૦ લોન કરાવી હતી. આ કારની લોનના કોટેશન મહાકાલ એન્ટરપ્રાઈઝના નામે કરાયા હતા. તપાસ કરતાં ઉપરોક્ત દસેક કાર લોન પૈકી ત્રણ ૨૮.૭૦ લાખની લોનની રકમ મહાકાલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટ મીત પરમારના ખાતામાં જમા થયા હતા જ્યારે સાત લોનની રકમ ૬૪.૪૫ લાખની રકમ જૈન સાયન્ટીફિક ઉદ્યોગના પ્રોપરાઈટર દીપક ચંદુલાલ દોશીના ખાતામાં જમા થયા હતા.
જે કાર માટે લોન લેવાઈ હતી તે તમામ ટાટા અલ્ટ્રોઝ કંપનીની હોવાનું ધ્યાન પર આવતાં બેન્ક દ્વારા કોટેશન, કાર ઈન્સ્યોરન્સ, આરસી બુક સહિતની ચકાસણી કરાતાં તે તમામ નકલી હોવાનું ખુલ્યું હતું. એકંદરે શ્રૃજય વોરા સહિતનાએ બ્રાન્ચ મેનેજર દેવિકા વસા સાથે મળીને ખોટા પૂરાવા આપીને ૯૩.૧૫ લાખની લોન લીધાનો ભાંડો ફૂટતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
કોના નામે કેટલી લોન પાસ થઈ…
લોનની રકમ નામ
૧૦ લાખ લવજીભાઈ રાઠોડ (કાલાવડ રોડ)
૯.૭૦ લાખ દિવ્યાબેન ગોસ્વામી (જામનગર રોડ)
૯ લાખ દીપાબેન શૈલેષભાઈ વિઠલાણી (નાનામવા રોડ)
૯.૭૦ લાખ ઉદય બધેકા (નવલનગર)
૯.૩૦ લાખ વિક્રમ વિઠલાણી (નાનામવા રોડ)
૯ લાખ નિકિતા મનિષભાઈ બધેકા (મવડી પ્લોટ)
૯ લાખ દિવાન રાજેશભાઈ વેકરિયા (જામનગર રોડ)
૯.૪૫ લાખ સમીર સુરેશભાઈ અઢીયા (કોઠારિયા રોડ)
૯.૫૦ લાખ વિરેન મુકુંદરાય પાંઉ (નાનામવા મેઈન રોડ)
૮.૫૦ લાખ સોનુબેન મહેશભાઈ ભોજાણી (જામનગર રોડ)