રાજકોટમાં પારો ઉંચો ચડયો ! મહત્તમ 32.1 ડિગ્રી
લઘુતમ તાપમાનનો બ્રેક ડાન્સ, 3 ડિગ્રી નીચે ઉતર્યા બાદ ફરી ઉંચકાયું
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં લઘુતમ તાપમાન સડસડાટ પાંચથી છ ડિગ્રી નીચે ઉતરી જતા રાજકોટમાં પણ એક જ દિવસમાં 3 ડિગ્રી તાપમાન નીચે સરકી ગયું હતું. જો કે,હવામાન વિભાગની આગાહી મુજબ એક જ દિવસમાં ફરી લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઉંચે ચડવાની સાથે મહત્તમ તાપમાનમાં પણ ત્રણ ડિગ્રી વધી જતા ઠંડીમાંથી રાહત મળી છે. જો કે, શુક્રવારે પણ 16થી 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. શુક્રવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી નોંધાયું હતું.
કમોસમી વરસાદના વાદળો ઘેરાયા બાદ રાજ્યના વાતાવરણમાં અચાનક બદલાવ સાથે છેલ્લા ત્રણેક દિવસથી લઘુતમ તાપમાન 2થી 5 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. જો કે, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ફરી લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી કરી હતી જે મુજબ રાજકોટ ત્રણ ડિગ્રી નીચે સરકી ગયેલ લઘુતમ તાપમાન ફરી ઉંચકાઈ 13.3 ડિગ્રી થયું હતું. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીના વધારા સાથે શુક્રવારે 32.1 ડિગ્રી નોંધાયું હતું.શુક્રવારે નલિયામાં 7.6, ડીસામાં 11.8, ભુજ અને દીવમાં 13.7, ગાંધીનગરમાં 14.2, અમદાવાદમાં 15, કંડલા અને પોરબંદરમાં 15.2, અમરેલીમાં 16.2 અને ભાવનગરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ દિવસભર તડકો તપતા રાજકોટમાં શુક્રવારે મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી નોંધાતા ઠંડીમાંથી રાહત અનુભવાઈ હતી.