માઈભક્તો માટે મોટા સમાચાર : યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા 13 દિવસ માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું શક્તિપીઠ આવેલું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ રોપ-વે 13 દિવસ માટે બંધ રહેશે.
પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠમાં રોપ-વે સેવા આગામી 13 દિવસ માટે બંધ રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા વાર્ષિક મેન્ટેનન્સ માટે 17 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી આ સેવા સ્થગિત કરવામાં આવશે.

4 વર્ષમાં 30 લાખથી વધુ પ્રવાસીઓએ રોપ-વેની સુવિધાનો લાભ લીધો
રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47.64 લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડનખટોલાનો આંનદ માણ્યો છે. જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર-2024 દરમિયાન, પાવાગઢમાં 24.47 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં 7.57 લાખથી વધુ જ્યારે અંબાજી રોપ-વેનો 15.59 લાખથી વધુ એમ કુલ 47.64 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.
ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ સાથે જ આધ્યાત્મિકતા અને કુદરતી વૈભવનો પ્રવેશદ્વાર છે. 2.3 કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર માં અંબાજીના મંદિર સાથે જોડે છે.
