રાજકોટના કુવાડવા ગામે મજાક મસ્તીમાં નાના ભાઈએ મોટા ભાઈને છરી ઝીંકી દીધી : મોત, પોલીસે વધુ તપાસ હાથધરી
- સફાઈ કર્મચારીનો મનોદિવ્યાંગ પુત્ર છરી હાથમાં રાખી મોટા ભાઈ સાથે મજાક – મશ્કરી કરતો હતો ત્યારે પડખામાં છરીનો એક ઘા ઝીંકી દીધો, ટૂંકી સારવારમાં દમ તોડ્યો : કુવાડવા પોલીસે વધુ તપાસ હાથધરી
રાજકોટના કુવાડવા ગામે વાલ્મિકી પરિવારના 18 વર્ષીય પુત્ર પૃથ્વી લઢેર અને તેનો નાનો ભાઈ 12 વર્ષીય નિતિન મશ્કરી કરતાં હતા ત્યારે મનો દિવ્યાંગ નાના ભાઈના હાથમાં રહેલ છરીનો એક ઘા 18 વર્ષીય પૃથ્વીના પડખામાં લાગી જતાં તેનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી છે.બનાવની જાણ થતાં જ કુવાડવા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.
વિગત મુજબ કુવાડવા ગામમાં હરિઓમ ચોકમાં રહેતો પૃથ્વી નાથાભાઇ લઢેર (ઉ.વ.18) ગઈકાલે સાંજે ઘરે હતો ત્યારે રાતના 9:30 વાગ્યે તેના નાના ભાઈ 12 વર્ષીય નીતિન સાથે મજાક મસ્કરી કરતો હતો. ત્યારે નાના ભાઈ નિતિને ઘરમાં રહેલ શાકભાજી સુધારવાની છરી લઈ મજાક મસ્કરી કરતી વેળાએ છરીનો એક ઘા પૃથ્વીના પડખામાં ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.જેથી પરિવારજનોએ પૃથ્વીને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

પરંતુ સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક યુવકના પિતા નાથાભાઇ વાલજીભાઈ ગામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરે છે.તેઓને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. જેમાં મૃતક પૃથ્વી વચ્ચેટ અને કારખાનામાં મજૂરીકામ કરતો હતો. તેમનો નાનો પુત્ર નીતિન મનોદિવ્યાંગ છે, જેથી મસ્કરીમાં તેને છરીનો ઘા ઝીંકી દિધો હોવાનું રટણ કર્યું હતું. જો કે, પોલીસે પરિવારજનોની પૂછતાછ આદરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.