ઈરાન મારી હત્યા કરશે તો નાબૂદ થઈ જશે, કાંઈ બચશે નહીં: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન જો તેમની હત્યા કરશે તો નાબૂદ થઈ જશે અને ત્યાં કશું બચશે નહીં તેવી ચેતવણી આપી હતી. નોંધનીય છે કે ટ્રમ્પ ઉપર ઈરાન તરફથી સર્જાયેલા ખતરાની અમેરિકાની વિવિધ એજન્સીઓ લાંબા સમયથી તપાસ ચલાવી રહી છે.
ટ્રમ્પે ઈરાન ઉપર મહત્તમ દબાણ લાવવાના વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે મારી હત્યા થાય તો ક્યાં પગલાં લેવા તે અંગેની સૂચના મેં આપી દીધી છે.
જોકે જો કદાચ તેમની હત્યા થાય તો ઉપપ્રમુખ જેડી વાન્સ પ્રમુખ બનશે અને તેઓ તેમના પુરોગામી ની સુચના માનવા માટે બંધાયેલા નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ટ્રમ્પના આદેશથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝના વડા કાસીમ સુલેમાની ની હત્યા કરવામાં આવી હતી. ઇરાને જે તે સમયે એ હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી. દરમિયાન જુલાઈ મહિનામાં ચૂંટણી પ્રચાર સમયે ટ્રમ્પ પર થયેલા હુમલાબાદ તેમની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી હતી.
વાસ્તવમાં ટ્રમ્પની જિંદગી પર ખતરો?
નવેમ્બર મહિનામાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ ટ્રમ્પની હત્યાના ઈરાનના કાવતરાને નિષ્ફળ બનાવાયું હોવાની જાહેરાત કરી હતી. એ વિભાગે આપેલી માહિતી અનુસાર ઈરાને 51 વર્ષના ફરહાદ સાકેરી નામના તેના એજન્ટને સર્વેલન્સ અને ટ્રમ્પના હત્યાની જવાબદારી સોંપી હતી. ફરહદ સાકેરી મૂળ અફઘાન નાગરિક છે અને અમેરિકામાં લૂંટના ગુના બદલ જેલવાસ ભોગવી ચુક્યો છે. એ સમયે એફબીઆઈની પૂછપરછ દરમિયાન તેણે ટ્રમ્પ ની હત્યાની જવાબદારી ઇરાને તેને સોંપી હોવાની કબુલાત કરી હતી. ફરહાદ સાકેરી હાલમાં ઈરાનમાં ભૂગર્ભવાસમાં છે.
બીજી તરફ ભૂતપૂર્વ અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચી લેવાઈ
એક આશ્ચર્યકારક પગલાં તરીકે ટ્રમ્પના પ્રથમ શાસનકાળ દરમિયાન ઈરાન સામે કડક પગલાં લેનાર ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ, તેના ગાઢ સાથે બ્રાયન હુક અને ભૂતપૂર્વક નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જ્હોન બોલ્ટની સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચી લેવામાં આવી હતી. આ ત્રણેય અધિકારીઓ સામે પણ ઈરાનનો ખતરો તોળાઈ રહ્યો છે