Uniform Civil Code / ગુજરાતમાં UCC લાગુ થયા બાદ શું-શું બદલાશે ?? UCCનાં સભ્ય ગીતાબેન શ્રોફે વોઈસ ઓફ ડે સાથે કરી ખાસ વાતચીત
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો બનાવવાની દિશામાં ઉત્તરાખંડ પછી હવે ગુજરાત પણ આગળ વધ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આ કાયદો લાવવાનો ઈરાદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ અંગે સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટીસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી ૪૫ દિવસમાં પોતાનો રીપોર્ટ આપશે અને પછી રાજ્ય સરકાર એ મુજબ આગળ વધશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે અને રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે. આ કમિટી 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરશે, તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.’
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ’45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે, તેનો રિવ્યૂ કરાશે. આ રિવ્યૂ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’
શું શું ફેરફાર થશે ?
- ૧૮ વર્ષ પહેલા લગ્ન નહી થઇ શકે
- બીજા ધર્મના બાળકને દત્તક નહી લઇ શકાય
- લીવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત
- લગ્નની નોંધણી છ માસમાં કરાવવી પડશે
- લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજિસ્ટ્રેશન કરવું પડશે
- પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર
- સમગ્ર મિલકતનાં વસિયતની છૂટ
- અનુસુચિત જનજાતિને કાયદો લાગુ નહી પડે
- બહુપત્નીત્વ અને હલાલા ઉપર પ્રતિબંધ
UCCનાં સભ્ય ગીતાબેન શ્રોફની વોઈસ ઓફ ડે સાથે ખાસ વાતચીત
રાજ્ય સરકારે સમાન નાગરિક ધારો ઘડવા માટે જે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે તેમાં સુરતના સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો પણ સમાવેશ થાય છે. ગીતાબેન હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે ઓસ્ટ્રેલિયાથી વોઈસ ઓફ ડે સાથેની ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાત સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરવાનો નિર્ણય લઈને મહત્વનું પગલું ભર્યું છે. આપણે ત્યાં ઘણા સંજોગોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ન્યાય મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ સમાન નાગરિક ધારો લાગુ થવાથી આ સમસ્યાનું નિરાકરણ આવશે.
ગીતાબેન શ્રોફે એમ પણ કહ્યું કે, મારી આ માટેની કમિટીમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે તેથી હું આ યુ.સી.સી માટે મારા નિષ્ઠાપૂર્વકનાં પ્રયત્નો કરીશ.
તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મુખ્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીતાબેન શ્રોફ સુરતમાં છેલ્લા ત્રણ દાયકાથી મહિલાઓ અને બાળકો માટે કાર્ય કરે છે અને જુદી જુદી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે.