બેરોજગારી અંગે સરકારે સંસદમાં શું માહિતી આપી ? પેટ્રોલ ડીઝલ મામલે શું કહ્યું ? વાંચો
દેશમાં બેરોજગારી તો છે પણ સરકાર એમ કહે છે કે તેમાં સતત ઘટાડો થતો જાય છે . લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે છેલ્લા 6 વર્ષોમાં દેશમાં બેરોજગારી દર લગભગ 50 ટકા ઘટ્યો છે. રોજગાર અને બેરોજગારી પર સત્તાવાર આંકડા સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (પીએલએફએસ) ના માધ્યમથી એકત્ર કરવામાં આવે છે. સર્વેનો સમયગાળો દર વર્ષે જુલાઈથી જૂન હોય છે.
તાજેતરના રિપોર્ટ અનુસાર 15 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે સામાન્ય સ્થિતિ પર અંદાજિત બેરોજગારી દર (યુઆર) 2017-18માં 6.0% થી ઘટીને 2023-24માં 3.2% થઈ ગયો છે. બેરોજગારી દર ઘટાડવા માટે સરકારની રોજગાર નિર્માણની સાથે-સાથે રોજગાર ક્ષમતામાં સુધારો કરવો જ પ્રાથમિકતા છે. તેને ધ્યાનમાં રાખતા વિભિન્ન રોજગાર નિર્માણ યોજનાઓ/કાર્યક્રમોના માધ્યમથી નોકરીની તકો પેદા કરવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે.
આ સિવાય, સરકારે બજેટ 2024-25માં 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા માટે 5 યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 2 લાખ કરોડ રૂપિયાનો કેન્દ્રીય ખર્ચ સામેલ છે.
પેટ્રોલ. ડીઝલ જીએસટી હેઠળ નહીં આવે સરકારે રાજ્યસભામાં હાથ ઊંચા કર્યા
પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે. રાજ્યસભામાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણ જરૂરી છે. જીએસટી કાઉન્સિલમાં દેશના તમામ રાજ્ય સામેલ છે અને તેમણે અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાને લઈને કોઈ સલાહ કે ભલામણ નથી કરી.
પેટ્રોલિયમ મંત્રાલયે એવું પણ કહ્યું કે, જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર, 2024ના દિવસે થઈ હતી, જેમાં વિમાનમાં ઉપયોગમાં લેવાતા ઈંધણને જીએસટી હેઠળ લાવવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ, જીએસટી કાઉન્સિલે આ ભલામણને નકારી દીધી હતી.