મહાકુંભમાં ફરી દુર્ઘટના : હોટ એર બલુનમાં ધડાકો થતા 6 લોકો ગંભીર રીતે ઘાયલ
પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો હતો., હિલિયમ ગેસથી ભરેલો હૉટ એર બલૂનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા છ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમાંથી એક ભક્તની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું હતું. ઘાયલોને તાત્કાલિક મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત મહાકુંભ મેળા વિસ્તારમાં સેક્ટર 20ના અખાડા માર્ગ પાસે થયો હતો, જ્યાં સોમવારે બપોરે વસંતપંચમીના સ્નાન પર્વ દરમિયાન હિલિયમ ગેસથી ભરેલો હૉટ એર બલૂન ફાટ્યો હતો. સદ્ભાગ્યની વાત એ હતી કે હૉટ એર બલૂન ઉડતા પહેલા જ ફાટી ગયો હતો જો આ દુર્ઘટના વધુ ઉંચાઈએ થઈ હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત. ઘટના બાદ તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા મહાકુંભની સબ-સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં હૉટ એર બલૂનમાં સવાર 27 વર્ષીય પ્રદીપ, 13 વર્ષીય અમન, 16 વર્ષીય નિખિલ, 50 વર્ષીય મયંક, 32 વર્ષીય લલિત અને 25 વર્ષીય શુભમ ઘાયલ થયા છે. જેમાંથી પ્રદીપ અને નિખિલ ઋષિકેશના રહેવાસી છે, જ્યારે અમન હરિદ્વારનો છે, લલિત મધ્યપ્રદેશના ખરગોનનો છે, શુભમ ઈન્દોરનો છે અને મયંક પ્રયાગરાજનો છે.