સંસદમાં સોમવારે શું થયું ? કોણ શું બોલ્યા ? વિપક્ષે કયા મુદ્દે ધમાલ કરી ? વાંચો
- મેક ઇન ઈન્ડિયા નિષ્ફળ; રાહુલના પ્રહાર ; મહાકુંભ અંગે ચર્ચાની માંગ સાથે વિપક્ષની ધમાલ : રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ; વડાપ્રધાન ગૃહમાં હાજર રહ્યા
સંસદના બજેટ સત્રમાં સોમવારે ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધૂરીએ પ્રસ્તાવ પર ચર્ચાની શરુઆત કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં કઈ નવું નથી. એમણે કેન્દ્ર સરકાર પર ચીન અને અમેરિકાના વિદેશ મંત્રીના પ્રવાસ તેમજ મેક ઇન ઈન્ડિયા જેવા મુદ્દે પ્રહાર કર્યા હતા. આ સમયે વડાપ્રધાન મોદી પણ ગૃહમાં હાજર હતા.
એમની સ્પીચ સામે વારંવાર ગૃહમાં દેકારો થયો હતો અને શાસક બેન્ચ દ્વારા વાંધા લેવાયા હતા. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ વચમાં બોલીને અધ્યક્ષને ફરિયાદ પણ કરી હતી. સ્પીકરે રાહુલને નિયમ યાદ અપાવ્યા હતા.
રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયાની જે વાત કરી છે તે આઇડિયા સારો છે પણ મોદી સરકાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. અમે વડાપ્રધાન પર દોષ નથી મઢી રહ્યા, પીએમએ પ્રયાસ કર્યા છે, આઇડિયા સારો હતો પણ તે નિષ્ફળ ગયા. યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંને રોજગાર આપી શક્યા નથી. એમણે એમ પણ કહ્યું હતું કે ચીન આપણી સીમામાં ઘૂસી ગયું છે પણ વડાપ્રધાન સેનાની વાત માનતા નથી.
એમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે ટ્રમ્પના શપથ સમારોહ માટે વડાપ્રધાનને આમંત્રણ અપાવવા માટે વિદેશમંત્રીને અમેરિકા મોકલાયા હતા. આ વિધાન સામે ગૃહમાં દેકારો થયો હતો. ગૃહોના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા મહાકુંભના મુદ્દે ચર્ચાની માંગ કરાઇ હતી જે ફગાવી દેવાઈ હતી. ધમાલ બાદ બંને ગૃહોમાં ચર્ચા શરૂ થઈ હતી. રાહુલે કહ્યું હતું કે ચીન આપણી સીમામાં ઘૂસી ગયું છે પણ પીએમ સેનાની વાત માનતા નથી.
વિદેશમંત્રીએ કહ્યું,અમેરિકી યાત્રા અંગે રાહુલ જાણીજોઇને ખોટું બોલ્યા, દેશની ઇમેજ બગાડી
દરમિયાનમાં રાહુલ ગાંધીના આક્ષેપનો તરત જ વિદેશ મંત્રી જયશંકરે જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે મારી અમેરિકી યાત્રા અંગે રાહુલ ગાંધી જાણીજોઇને ખોટું બોલ્યા છે અને એમનો હેતુ રાજકીય હોઇ શકે છે . આવા વિધાનથી રાહુલએ દેશની ઇમેજને નુકસાન કર્યું છે . મારી મુલાકાત અમેરિકી વિદેશમંત્રી અને એનએસએ સાથે થઈ હતી. આવા શપથ સમારોહમાં સામાન્ય રીતે પીએમ જતાં નથી.
સંગમ હવે દૂષિત, મૃતદેહો નાખવામાં આવ્યા : જ્યા બચ્ચનનું નિવેદન
સમાજવાદી પાર્ટીના સાંસદ જ્યાં બચ્ચને સંસદના પરિસરમાં ભારે વિવાદિત નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે હવે સંગમ દૂષિત છે, કારણ કે તેમાં મહાકુંભ નાસભાગ દુર્ઘટના બાદ મૃતદેહો ફેકી દેવાયા હતા. આમ થવાથી પાણી પ્રદૂષિત થઈ ગયું છે . આ માટે કોઈ સફાઇ આપતા નથી. જ્યાના આ નિવેદન બાદ ભારે ગોકીરો મચી ગયો છે અને તેમની ટીકા થઈ રહી છે . એમણે એમ પણ કહ્યું કે લોકોને પ્રદૂષિત પાણી અપાઈ રહ્યું છે .