પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ ચેમ્પિયન ગુકેશને હરાવ્યો : ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સની ટ્રોફી પ્રથમ વખત જીતી: હાર થતાં ગુકેશનું માથું ઝૂકી ગયું
ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર.પ્રજ્ઞાનાનંદે ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટ-૨૦૨૫ના માસ્ટર્સ સેક્શનમાં શાનદાર જીત હાંસલ કરી હતી. તેણે હાલના વિશ્વ ચેમ્પિયન ડી.ગુકેશને હરાવીને પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ગુકેશની આ પ્રથમ ટૂર્નામેન્ટ હતી. પ્રજ્ઞાનાનંદ અને ગુકેશ બન્ને ૮.૫/૧૩ પોઈન્ટ સાથે માસ્ટર્સ લીડરબોર્ડમાં ટોચ પર હતા. આ બરાબરી તોડવા માટે ટાઈબ્રેકર રમાઈ હતી જે એકદમ નાટકીય રહી હતી.
ગુકેશે પ્રજ્ઞાનાનંદની એક ભૂલનો ફાયદો ઉઠાવીને પ્રથમ ગેઈમ જીતી લીધી હતી પરંતુ પ્રજ્ઞાનાનંદે હાર માની ન્હોતી. બીજી ગેઈમમાં પ્રજ્ઞાનાનંદે ટ્રૉમ્પોવસ્કી ઓપનિંગનો ઉપયોગ કર્યો હતો. તેણે અત્યંત સુઝબુઝથી રમતા મુકાબલાને `સડન ડેથ’ સુધી પહોંચાડ્યો હતો. `સડન ડેથ’ના મુકાબલામાં ગુકેશે ક્વિન સાઈડ પર શ્રેષ્ઠ રમત રમીને લીડ મેળવી લીધી હતી. તેની પાસે એક મ્હોરું વધુ હતુ.
સમયનું દબાણ અને નબળી એન્ડગેમ સ્થિતિ છતાં પ્રજ્ઞાનાનંદે પોતાનું ધ્યાન કેન્દ્રીત રાખ્યું હતું. તેણે પોતાના ટેક્નીક કૌશલનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો. દબાણ વધવાને કારણે ગુકેશે નિયંત્રણ ગુમાવી દીધું હતું. તેણે એક મ્હોરું અને પોતાનું અંતિમ નાઈટ (ઉંટ) ગુમાવ્યું હતું. હાર નિશ્ચિત જોઈને ગુકેશ પોતાની ખુરશી પાસે ઝૂકી ગયો હતો. તેનું માથું ઝૂકી ગયું હતું અને ચહેરા ઉપર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી.
`સડન ડેથ’ નિયમ શું હોય છે ?
સડન ડેથનો મતલબ એ થાય કે જ્યારે મેચ બરાબરી હોય ત્યારે બન્ને ખેલાડીઓ વચ્ચે ૨૦ સેક્નડના બે રાઉન્ડ રમાય છે. આ રાઉન્ડમાં એક ટીમ પીછો કરે છે જ્યારે બીજી ટીમ બચે છે. જે ટીમ સૌથી વધુ સમય સુધી બચે છે તે જીતી જાય છે. આમ છતાં જો બરાબરી રહે તો નવેસરથી રાઉન્ડ શરૂ થાય છે.