લગ્ન આવી રહ્યા હોય ખર્ચ કાઢવા સ્કૂટર ચોર્યા’ને પકડાયો !
૧૦ દિ’ પહેલાં પણ પોલીસે પકડ્યો’તો: છૂટ્યા બાદ વધુ બે સ્કૂટર ચોરીને વેચે તે પહેલાં જ ઝડપાઈ ગયો
શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પરથી ઝોન-૨ એલસીબી ટીમે એક સ્કૂટર ચોરને પકડ્યો હતો જેણે મહિનાના અંતમાં પોતાના લગ્ન આવી રહ્યા હોય તેનો ખર્ચ કાઢવા માટે એક મહિનામાં બે સ્કૂટર ચોર્યા હતા. જો કે ચોરી કરેલા સ્કૂટર પાણીના ભાવે કોઈને વેચે તે પહેલાં જ પકડાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ તસ્કર ૧૦ દિવસ પહેલાં જ સ્કૂટર ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યો હતો પરંતુ સુધરવાની જગ્યાએ વધુ બે સ્કૂટર ચોરી કર્યા હતા.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે ૧૫૦ ફૂટ રિંગરોડ પરથી રાજન દીપકભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬, રહે.ગાંધીગ્રામ શેરી નં.૯)ને ચોરાઉ બે સ્કૂટર સાથે પકડ્યો હતો. રાજે આ સ્કૂટર રૈયા રોડ તેમજ શીતલ પાર્ક પાસેથી ચોરી કર્યા હતા.
પૂછપરછમાં એવો ખુલાસો થયો કે રાજન અને તેના પિતા દીપક ચૌહાણ બન્ને કારખાનામાં નોકરી કરે છે પરંતુ આવક મર્યાદિત હોય પૂરું થઈ રહ્યું ન્હોતું સાથે સાથે મહિનાના અંતમાં રાજનના લગ્ન હોય તેનો ખર્ચ કરવા માટે તેણે આ સ્કૂટર ચોર્યા હતા અને તેને વેચીને રોકડી કરી લેવાનો હતો.