સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી નહીં થાય : સુપ્રીમ કોર્ટે ધાર્મિક સરઘસ કાઢવા પર લગાવી રોક
ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કથિત ગેરકાયદેસર બાંધકામ પર તાજેતરમાં બુલડોઝર કાર્યવાહીના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દૂર કરાયેલી દરગાહ પર વાર્ષિક ઉર્સ ઉજવવાની પરવાનગી માંગતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે, ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામો પર આગામી 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સરકારની જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી
રાજ્યના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીનો પર બનેલા મંદિરો સહિત તમામ અનઅધિકૃત બાંધકામો પરના દબાણો દૂર કરાયા હતા. જો કે, આ જગ્યા સરકારની છે અને અહીં કોઈ પ્રકારે ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નોંધ લીધી હતી. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે આ દરગાહ ૧૨૯૯ થી અસ્તિત્વમાં છે અને તે એક સંરક્ષિત સ્મારક છે. પરંતુ હવે તેને તોડી પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનું શું વલણ છે ?
ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ જમીન ૧૯૫૧માં સરદાર પટેલ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે વિસ્તારમાં હાજર તમામ ધર્મોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં મંદિરોનો પણ સમાવેશ થતો હતો. તેમણે કહ્યું કે મુખ્ય કેસ હજુ પણ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. આ સાથે, ASI એ સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું કે અહીં કોઈ સુરક્ષિત માળખું નથી.
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષની દલીલ
અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ અને અન્ય અનેક બાંધકામોના ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અવમાનના અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બુલડોઝર કાર્યવાહી રોકવાના આદેશ છતાં, મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.
રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સોમનાથ મંદિરની આસપાસની કથિત ગેરકાયદેસરના બાંધકામ પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. આ પછી 1 ઑક્ટોબરે પટણી મુસ્લિમ સોસાયટીએ માંગરોળ શાહ, બાબા દરગાહ, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સહિતના સ્થળોએ બનાવેલા બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યો હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ પર અવમાન હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.