મહાકુંભના મેળામાંથી પરત ફરી રહેલા ભાવિકોને નડ્યો અકસ્માત : પિકઅપ વાન સાથે ટ્રક અથડાતાં 8ના મોત
પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભમેળામાંથી પરત ફરી રહેલા યાત્રીકોના પીક અપ વાન સાથે એક ટ્રક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં આઠ ભાવિકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થતા મૃત્યુ આંક વધવાનો ભય સેવાઈ રહ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ગોરખપુરના બાંસગાંવના રહેવાસીઓ કુંભમેળામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગાજીપુરના કુસમી ક્લા ગામ નજીક આ ઘટના બની હતી. પીકઅપ વાનમાં 20 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને ગાજીપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર પીક અપ વાનમાંથી ગબડી પડેલા કેટલાક લોકો પર ટ્રક ધસી જતા એ હતભાગીઓના શરીરના કટકા થઈ ગયા હતા.
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝીપુર માર્ગ અકસ્માતની નોંધ લીધી. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી યોગીએ જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખૌરી અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થાનિક લોકોએ તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. અકસ્માત બાદ અકસ્માત સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ લોકોની પૂછપરછ કરીને ઘટના અંગે માહિતી એકઠી કરી રહી છે. મૃતકોના મૃતદેહ કબજે લેવામાં આવ્યા છે.