India vs England 3rd T20 : દર્શકો ચોગ્ગા-છગ્ગાના વરસાદની રાહ જોઇને બેઠા હતા’ને થયો વિકેટનો ઢગલો…!!
- ઇંગ્લેન્ડની ૧૨૮ રનમાં આઠ વિકેટ લઇને પણ હાર્યું ભારત: મેન ઑફ ધ મેચ વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ
સ્પીનર-પેસર વચ્ચે જામ્યો જંગ: રસપ્રદ વાત એ રહી કે મેચમાં સ્પીનરો અને પેસર વચ્ચે જંગ જામ્યો હોય તેવુંસ્પષ્ટ દેખાયું હતું. ભારત માટે ૯માંથી સાત વિકેટ સ્પીનરોએ ખેડવી હતી. જ્યારે ઈંગ્લેન્ડ વતી કુલ ૯માંથી ૮ વિકેટ ફાસ્ટ બોલરોએ મેળવી હતી. જૈમી ઓવર્ટને સૌથી વધુ ત્રણ તો જોફ્રા આર્ચર-બ્રાયડન કાર્સે ૨-૨ વિકેટ મેળવી હતી. માર્ક વૂડ-આદિલ રાશિદના ભાગે એક-એક વિકેટ આવી હતી.
સંજૂ સેમસનને સળંગ ત્રીજી વખત આર્ચરે કર્યો આઉટ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે સંજુ સેમસનની નબળાઈ પકડી પાડી હોય તે રીતે શ્રેણીના ત્રણેય મુકાબલામાં તેને આઉટકર્યો હતો. સૈમસન વિરુદ્ધ આર્ચરે શોર્ટ બોલનો ઉપયોગ કર્યો હતો જેમાં સંજૂ ફસાઈ ગયો હતો. પહેલી મેચમાં સંજૂએ ૨૬, બીજીમાંપાંચ અને ત્રીજી મેચમાં માત્ર ત્રણ રન બનાવ્યા હતા.
૪૬૩ દિવસ બાદ શમીની થઈ વાપસી; જો કે રહી નિરાશાજનક
રાજકોટ ટી-૨૦માં કેપ્ટન સૂર્યકુમાર યાદવે અર્શદીપ સિંહને આરામ આપી મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ ૪૬૩ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શમીની વાપસી થઈ હતી પરંતુ તે નિરાશાજનક રહી હતી. આ મેચમાં શમી એક પણ વિકેટ મેળવી શક્યો ન્હોતો. તેણે ત્રણ ઓવર ફેંકીને ૨૫ રન આપ્યા હતા. એકંદરે શમીમાં હવે તેની જૂની ધાર રહી હોય તેવું ક્યાંય પણ લાગ્યું ન્હોતું.
રાજકોટમાં ટી-૨૦માં પહેલી વખત પડી ૧૮ વિકેટ…!
સામાન્ય રીતે રાજકોટના મેદાનની પીચ બેટરો માટે સ્વર્ગ સમાન ગણાય છે પરંતુ આ વખતે વિપરિત સ્થિતિ હોય તેવી રીતે બોલરો અહીં ફાવ્યા હતા. રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ ટી-૨૦ મુકાબલા પહેલાં ચાર ટી-૨૦ મેચ રમાઈ છે પરંતુ ક્યારેય ૧૬થી વધુ વિકેટ પડી નથી. જો કે આ મેચમાં એ રેકોર્ડ પણ તૂટ્યો હતો કેમ કે બે ઈનિંગની મળી કુલ ૧૮ વિકેટ પડી હતી.
વરુણ ચક્રવર્તી સળંગ ૧૦ ઇનિંગમાં ૨૭ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો : વરુણ ચક્રવર્તીએ પોતાના આંતરરાષ્ટ્રીય ટી-૨૦ કરિયરમાં બીજી વખત પાંચ વિકેટ મેળવી હતી. તે બે વખત પાંચ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. આ સાથે જ તેણે શ્રીલંકાના પૂર્વ સ્પીનર અજંતા મેન્ડિસનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. ચક્રવર્તી ટી-૨૦ મેચમાં સળંગ ૧૦ ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. ચક્રવર્તી અત્યાર સુધી ૨૭ વિકેટ લઈ ચૂક્યો છે જ્યારે મેન્ડિસે સળંગ ૧૦ ઈનિંગમાં ૨૬ વિકેટ લીધી હતી. આ યાદીમાં ત્રીજા નંબરે કુલદીપ યાદવ છે જેના નામે ૧૦ ઈનિંગમાં ૨૫ વિકેટ છે.
મેચમાં કુલ ૨૨ ચોગ્ગા, ૧૪ છગ્ગા લાગ્યા
આ વખતે ક્રિકેટરસિકોને મેચમાં ચોગ્ગા-છગ્ગા ઓછા અને વિકેટ વધુ જોવા મળી હતી આમ છતાં ઈંગ્લેન્ડે તેની ઈનિંગમાં ૯ છગ્ગા અને ૧૧ ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ભારતીય ઈનિંગ દરમિયાન પાંચ છગ્ગા અને ૧૧ ચોગ્ગા લાગ્યા હતા. ઈંગ્લેન્ડ વતી પાંચ છગ્ગા એકલા લિયામ લિવિંગસ્ટોને લગાવ્યા હતા.
ઈંગ્લેન્ડ વતી આર્ચર, ભારત વતી બિશ્નોઈ સૌથી મોંઘો બોલર
આ મેચમાં ઈંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચર સૌથી મોંઘો બોલર રહ્યો હોય તેવી રીતે ચાર ઓવરમાં સૌથી વધુ ૩૩ રન તેણે આપ્યા હતા. જો કે બે વિકેટ પણ તેણે મેળવી હતી. ભારત વતી સૌથી વધુ ખર્ચાળ બોલર રવિ બિશ્નોઈ રહ્યો હતો જેણે ૪ ઓવરમાં ૪૬ રન આપી એક વિકેટ મેળવી હતી.