ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ થશે: રાજકોટમાં 21 સેન્ટર ફાળવાયા
શહેર ઉપરાંત જિલ્લામાં ધોરાજી, ગોંડલ,જેતપુર, જસદણમાં સેન્ટર:રાજકોટનાં 7785 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ આપશે:200 શિક્ષકોને ઓર્ડર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે તારીખ 6 ફેબ્રુઆરી થી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થશે.
રાજકોટ જિલ્લામાંથી 7785 વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ પરીક્ષા આપશે.
શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ,જેમાં ધોરણ 12 સાયન્સના 7785 વિદ્યાર્થીઓ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટીકલ પરીક્ષા આપશે જેના માટે 200 જેટલા શિક્ષકોને ઓર્ડરો અપાયા છે આ શિક્ષકોને તજજ્ઞો દ્વારા જરૂરી તાલીમ અપાશે.
રાજકોટ શહેરમાં 13 અને જિલ્લામાં ધોરાજીમાં ચાર ગોંડલમાં બે જેતપુર અને જસદણમાં એક એક સેન્ટર મળી કુલ 21 સેન્ટરમાં પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે ,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના દરરોજના માર્કસ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાશે. 6 તારીખથી પરીક્ષા શરૂ થયા બાદ 16 ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા ચાલશે.
આ પરીક્ષા ની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઇ-મેલ આઇડી દ્વારા વિદ્યાર્થીઓ લોગીન કરી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાાર્થીઓને પ્રવેશ પત્ર હોલ ટિકિટ આપ્યા બદલીની સહી પરીક્ષાર્થી પાસે લેવાની રહેશે તેમ બોર્ડએ સૂચના આપેલ છે.