ઈન્દીરા સર્કલ પાસે ‘પીત્ઝા ક્નટ્રી’માંથી વાસી ગાર્લિક બ્રેડ પકડાઈ
વાસી હોવા છતાં ગ્રાહકોને ધાબડી શરીર ખરાબ કરવાનું ચાલી રહ્યું’તું કારસ્તાન: પાંચ કિલો બ્રેડનો નાશ: બે સ્થળેથી તેલના નમૂના લેવાયા
પીત્ઝાઘેલા રાજકોટીયન્સના સ્વાસ્થ્ય સાથે અવનવા નામ સાથે શરૂ થયેલા આઉટલેટ તેમજ રેસ્ટોરન્ટ દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. યુનિવર્સિટી રોડ પર ઈન્દીરા સર્કલ પાસે આવેલા પીત્ઝા ક્નટ્રીમાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા દરોડો પાડી ચેકિંગ કરવામાં આવતાં વાસી ગાર્લિક બ્રેડનો જથ્થો મળી આવ્યો હતો. આ બ્રેડ વાસી હોવાનું જાણતાં હોવા છતાં સંચાલકો દ્વારા ગ્રાહકોને ધાબડવામાં આવી રહી હતી. ફૂડ શાખા દ્વારા પાંચ કિલો વાસી ગાર્લિક બ્રેડનો જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે પીઝા ક્નટ્રીને નોટિસ પણ ફટકારાઈ હતી.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૧૪ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ચાર ધંધાર્થી લાયસન્સ વગર જ ખાણીપીણીનું વેચાણ કરતા હોવાનું ધ્યાન પર આવતાં નોટિસ અપાઈ હતી.
જ્યારે ફૂડ સેફ્ટી અંતર્ગત રૈયા રોડ પર સદ્ગુરુ તીર્થધામની સામે અપૂર્વ કોમ્પલેક્સમાં શોપ નં.૫માં આવેલી કનેરિયા ઓઈલ ઈન્ડ.માંથી રાની ગોલ્ડ ફિલ્ટર્ડ સિંગતેલ (૧૫ કિલો ટિન) અને રાની ગોલ્ડ ફિલ્ટર્ડ કપાસિયા તેલ (૧૫ કિલો ટિન)ના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.