ડ્રગ્સના રૂપમાં દવા નહીં, હવે દવાના રૂપમાં ડ્રગ્સ !
ખંભાતમાંથી ૧૦૭ કિલો ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ (ઉંઘની દવા) પકડાયા બાદ ધોળકામાંથી ૫૦૦ કિલો ટ્રામાડોલ (ઉંઘની દવા)નો જથ્થો પકડી પાડતી એટીએસ
જેણે અલ્પ્રાઝોલમનો ૧૦૭ કરોડનો જથ્થો ઉતાર્યો’તો તેણે જ પોતાના બીજા ગોડાઉનમાં ટ્રામાડોલ છુપાવી’તી
ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં જાણે કે મોકળું મેદાન ભાળી ગયા હોય તેવી રીતે કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઉતારતાં જરા પણ અચકાઈ રહ્યા નથી. જો કે એટીએસ સહિતની મહત્ત્વની સુરક્ષા એજન્સીઓ દ્વારા માફિયાઓના બદઈરાદા ઉપર પાણી ફેરવવામાં આવી રહ્યું હોય હવે ડ્રગ્સના રૂપમાં દવા નહીં બલ્કે દવાના રૂપમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો રસ્તો અખત્યાર કર્યો હોવાનું એટીએસે જ પાડેલા બે દરોડા પરથી સાબિત થઈ રહ્યું છે.
એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ (એટીએસ) દ્વારા ગત ૨૪ જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને ગેરકાયદેસર નશીલો પદાર્થ અલ્પ્રાઝોલમનો ૧૦૭ કરોડની કિંમતનો ૧૦૭ કિલોનો જથ્થો પકડી પાડી ૩૦ લાખની રોકડ સાથે છ લોકોને પકડવામાં આવ્યા હતા. અલ્પ્રાઝોલમ દવાનો ઉપયોગ ઉંઘ માટે કરવામાં આવતો હોય છે પરંતુ જરૂર જણાય તો જ ડૉક્ટર દ્વારા અમુક માત્રામાં તે લખી આપવામાં આવતી હોય છે. જો કે આ ટોળકી દ્વારા ૪૨ કરોડ ગોળી બની શકે તેટલો જથ્થો ઉતારી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
આ છ લોકોમાં સામેલ રણજીત ડાભી નામના શખ્સની પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે ગેરકાયદેસર ટ્રામાડોલનો ૫૦૦ કિલોગ્રામનો જથ્થો તેણે પોતાના જ અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા દેવમ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ નામના ગોડાઉન નં.૫૪માં છુપાવી રાખ્યો છે. ટ્રામાડોલ દવાનો ઉપયોગ પણ ઉંઘ સહિતના માટે કરવામાં આવતો હોય છે. આ બન્ને દવા આમ તો ડૉક્ટર લખી આપે છે પરંતુ તેનું ઉત્પાદન કરવાની માન્યતા લાયસન્સ ધરાવતી ફાર્મા કંપની પાસે જ હોય છે પરંતુ દવાના રૂપમાં ડ્રગ્સ વેચી કરોડો રૂપિયા કમાઈ લેવા માટે માફિયાઓ મેદાને પડ્યા હોય પોલીસ માટે પણ પડકારો ઉભા થઈ રહ્યા છે.
એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એટીએસની ટીમે ઉપરોક્ત ગોડાઉન પર દરોડો પાડી ૫૦૦ કિલો ગેરકાયદેસર ટ્રામાડોલનો જથ્થો કે જેની બજાર કિંમત ૪૦થી ૫૦ કરોડ જેટલી થવા જાય છે તે પકડી પાડ્યો હતો સાથે તાથે ૪૯૮૦૦ નંગ પેકિંગ બોક્સ અને પેકેજિંગ ફોઈલના છ રોલ કબજે કર્યા હતા.
ડીજીએ એટીએસ કચેરીએ જઈને અધિકારીઓની પીઠ થાબડી
એટીએસ દ્વારા ચાર દિવસની અંદર બે મોટા ઓપરેશન પાર પાડી ગેરકાયદેસર દવાના ધંધાના નેટવર્કનો પર્દાફાશ કરતાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે એટીએસ કચેરીએ રૂબરૂ જઈને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિત ઓપરેશનમાં સામેલ તમામ પીઆઈ, પીએસઆઈ સહિતનાની પીઠ થાબડી હતી અને આ જ પ્રકારે ડ્રગ્સ સામે આક્રમક હાથે કામ લેવા આદેશ પણ આપ્યો હતો.