રાજકોટમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મહામુકાબલો : બેટર જ નહીં બોલરો પણ છેલ્લી ઘડીએ છગ્ગા લગાવી શકવા સક્ષમ
આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સાંજે ૭ વાગ્યાથી રાજકોટમાં ટી-૨૦ મુકાબલો રમાવાનો છે ત્યારે ભારત પાસે શ્રેણી જીતવાની અને ઈંગ્લેન્ડ પાસે આ મેચ થકી શ્રેણી બચાવી લેવાની તક રહેલી છે ત્યારે એક પણ ભૂલ ન થાય તે માટે બન્ને ટીમે આજે સ્ટેડિયમ પર કલાકો સુધી પરસેવો પાડીને પોતાની `નબળાઈ’ શોધી તેમાં સુધારો કરવા પ્રયત્ન કર્યો હતો સાથે સાથે તૈયારીઓને વધુ `ધાર’ પણ આપવામાં આવી હતી.
પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે પાછલી ભૂલો સુધારીને પૂરી તાકાત સાથે ભારત સામે જીતવા માટે મેદાને ઉતરશું. હજુ શ્રેણીની ત્રણ મેચ બાકી છે જે ત્રણેયમાં જીત મેળવવા માટે પ્રયાસ કરશું. ટી-૨૦ ફોર્મેટ એકદમ ફાસ્ટ ગેઈમ છે એટલા માટે એક ઓવરમાં પણ મેચનું પાસું પલટાઈ જતું હોય છે. અમે અત્યારે સ્થિતિની ચિંતા કર્યા વગર મુળ રમત રમવા ઉપર ભારત આપી રહ્યા છીએ. અમારી પાસે શ્રેષ્ઠ સ્પીનરો છે. ભારતીય ટીમના યુવા બેટર પણ ઉમદા રમત દાખવી રહ્યા હોય અમે ઝડપથી ભારતની વિકેટ પાડવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરશું.
જ્યારે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સીતાંશુ કોટકે જણાવ્યું હતું કે ભારત પાસે અત્યારે એકથી આઠ નંબર સુધી બેટિંગ કરી શકે તેવા બેટરો છે. અત્યારે બોલર તરીકે ટીમમાં સામેલ અર્શદીપ સિંહ પણ છેલ્લા ત્રણ બોલમાં હવાઈ શોટ રમી શકવાની ક્ષમતા ધરાવે છે તો તીલક વર્મા અત્યારે ગજબનું ફોર્મ પ્રદર્શિત કરી રહ્યો છે. મને રોહિત-કોહલી સાથે કામ કરવાની હજુ સુધી તક મળી નથી જેને હું બહુ મીસ પણ કરું છું. એકંદરે અત્યારે ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં હોય આ મેચમાં ફોર્મનો ભરપૂર ફાયદો મળશે.
ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તીલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ
ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન
જોશ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકિપર), બેન ડકેટ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જૈમી સ્મિથ, જૈમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશિદ, માર્ક વૂડ