આજે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T20 મેચ : ટુ-વ્હીલર પર મેચ જોવા જતાં હોય તો હેલમેટ ન ભૂલતા !!
જિલ્લા પોલીસનું જાહેરનામું, દરેક ટુ-વ્હીલરચાલકો માટે હેલમેટ ફરજિયાત, ઉતારીને રાખવું ક્યાં તેની વ્યવસ્થા પોતે જ કરવાની
આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે ત્યારે તેમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાજકોટ (રૂરલ) પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે સાથે સાથે અમુક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે ટુ-વ્હીલર લઈને મેચ જોવા જનારા દરેક ચાલકે હેલમેટ પહેરવું ફરજિયાત સાથે સાથે સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ હેલમેટ ક્યાં રાખવું તેની વ્યવસ્થા પણ ટુ-વ્હીલરચાલકે જ કરવાની રહેશે ! જો કે આ નિયમનું પાલન કેટલું થાય છે તે તો આજે ખબર પડી જ જશે.
બીજી બાજુ સ્ટેડિયમ પાસેથી જ રાજકોટ-જામનગર હાઈ-વે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચના કારણે ટ્રાફિકજામ થવાની શક્યતા હોવાથી આજે બપોરે ૪થી રાત્રે ૧ વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતાં મોટા વાહનો (ટ્રક, ટેન્કર, ટે્રલર વિગેરે) પડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. મેચ દરમિયાન એસપી ઉપરાંત ચાર એએસપી-પ્રોબેશનલ આઈપીએસ-ડીવાયએસપી ચાર, ૯ પીઆઈ ૩૧ પીએસઆઈ, ૨૫૨ એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૧૦૦ મહિલા હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૩૬ ટ્રાફિક પોલીસ, ૪૯ ટીઆરબી, ૪ ઘોડેસ્કવાર અને બોમ્બ સ્કવોડની બે ટીમ તૈનાત રહેશે.
અમદાવાદ તરફથી આવતાં ભારે વાહનોને `બાયપાસ’ કરાશે
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પણ મેચને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે પ્રમાણે આજે બપોરે ૪થી રાત્રે ૧ વાગ્યા સુધી અમદાવાદ તરફથી આવતાં ભારે વાહનો બેડી ચોકડીથી મોરબી રોડ મીતાણા-ટંકારા થઈ જામનગર, ધ્રોલ તરફ જઈ શકશે. આ વાહનો બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહીં. જ્યારે માધાપર ચોકડી તેમજ ઘંટેશ્વર ટી-પોઈન્ટથી ભારે વાહનો ટ્રક, ટેન્કર, ટે્રલર સહિતના વાહનો જામનગર રોડ ખંઢેરી સ્ટેડિયમ તરફ જઈ શકશે નહીં.