કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખના ઘર અને કારમાં તોડફોડ
ગાળો બોલવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી પાંચ લુખ્ખાઓ જયરાજ પ્લોટમાં આવેલા ઘરમાં પથ્થરોના ઘા કર્યા : એ-ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી
શહેરમાં રવિવાર રાત્રીના કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયા તેમના રામનાથપરામાં આવેલા મકાને હતા ત્યારે કેટલાક શખસો ગાળાગાળી કરતા હોય જેથી તેમને ઠપકો આપ્યો હતો. બાદમાં આ વાતનો ખાર રાખીને મોડી રાત્રિના ભરતભાઇના જયરાજ પ્લોટ-૯ માં આવેલા મકાન ખાતે બે વાહનમાં આવેલા પાંચ જેટલા શખસોએ પથ્થરોના ઘા કરી બહાર પડેલી તેમની કારના કાચ ફોડી નાખતા એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ જયરાજ પ્લોટ-9માં રહેતાકારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયાના મકાન પર મોડી રાત્રિના પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ઘર બહાર પડેલી તેમની કારના કાચ ફૂટી ગયા હતા. બનાવની જાણ થતા ભરતભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,રવિવારના ભરતભાઈ રામનથપરા શેરી નંબર-11માં આવેલા તેમના અન્ય મકાને હતા અને અહીં તે તથા સમાજના અન્ય લોકો પ્રયાગરાજ ટિકિટ બુક કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક શખસો અહીં ગાળાગાળી કરતા હોય જેથી ભરતભાઈએ તેમને ટપાર્યા હતા. જેમાં રાહીલ સુમરા તથા તેની સાથેના અન્ય શખસો હતા જેથી આ શખસોએ બોલાચાલી કરી હતી પરંતુ અહીં ભરતભાઈ તથા સમાજના અન્ય લોકો સાથે હોય આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા.
દરમિયાન મોડી રાત્રિના ભરતભાઈના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી તેઓ તુરતં બહાર દોડી ગયા હતા. ત્યાં સુધીમાં આ શખસો ભાગી ગયા હતા. બાદમાં બાજુમાં આવેલા મકાનના સીસીટીવી ફૂટેજ ચકાસતા બે વાહનમાં પાંચ જેટલા શખસોએ આવી તોડફોડ કરી હતી. જેમાં રાહિલ સુમરા સહિતના સામેલ હોય જેણે પથ્થરમારો કરી કારના કાચ ફોડી નાખ્યા હતા તેમજ ઘરમાં પણ પથ્થરોના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ કારડીયા રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસી આગેવાન મહેશભાઇ રાજપૂત સહિતનાઓ દોડી ગયા હતા.જ્યારે આ બનાવ મામલે એ ડિવિઝન પોલીસે અવાર તત્વો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ કરી છે.